૧૦% વળતરની લાલચ આપી ક્રેડિટ સોસાયટીનું ૨૦૦ કરોડમાં ઉઠમણું
રાજકોટ: રાજકોટમાં વધુ એક ક્રેડિટ સોસાયટીએ ૧૦% વળતરની લાલચ આપીને ૨૦૦ કરોડ કરતાં વધુ રકમનું ઉઠમણું કર્યું હોવાનું સામે આવ્યું છે. રિંગ રોડ પર આવેલી આશીષ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના સંચાલકે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ સામે મહિને ૧૦ ટકા વળતરની લાલચ આપીને ઘણા બધા રોકાણકારોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. આ ક્રેડિટ સોસાયટીએ થોડા સમય સુધી નિયમિત વળતર આપ્યું હતું. જો કે, તેણે ઉઠમણું કર્યું હોવાની જાણ થતાં જ રોકાણકારો ઓફિસે પહોંચ્યા હતા.
આ મામલે ૨૦૦ જેટલા લોકોએ પોલીસ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. ભોગ બનેલા રોકાણકારોના કહેવા પ્રમાણે, પ્રદીપ દાવેરાએ બે વર્ષ પહેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સમય નામની ઓફિસ શરૂ કરીને ફોરેક્સ ટ્રેડિંગમાં બેંક કરતાં વધુ વળતર આપવાની લાલચ આપી હતી. રોકાણ કરનારે મહિને ૧૦ ટકાનું વળતર મળતું હોવાનું જાણ્યા બાદ અન્ય કેટલાક લોકોએ પણ ૧ લાખથી ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રોકાણકારને સંચાલકે સોગંદનામું, રસીદ તેમજ ચેક પણ આપ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. આશરે બે હજારથી વધુ લોકોએ ફોરેક્સ ટ્રેંડિંગ અને ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કર્યું હતું.
ક્રેડિટ સોસાયટીના સંચાલક પ્રદીપે છેલ્લે વર્ષ ૨૦૧૯ના નવેમ્બર મહિનામાં રોકાણકારોને વળતર ચૂકવ્યું હતું. જે બાદ રોકાણકારોની સંખ્યા વધી જતાં દર ત્રણ મહિને વ્યાજની રકમ ચૂકવવાની ખાતરી આપી હતી. આ દરમિયાન કોરોના મહામારીના કારણે લોકડાઉન થતાં તેણે વ્યવહારો ઠપ્પ થઈ ગયા હોવાથી ધીરજ રાખવા કહ્યું હતું. આ દરમિયાન સંચાલકે ૧૫૦ ફૂટના રોડ પર સ્પાયર બિલ્ડિંગમાં આશીષ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ નામની આલિશએન ઓફિસ શરૂ કરી હતી. જો કે, એક વર્ષથી વળતર ન મળ્યું હોવાથી રોકાણકારો છેલ્લા ૧૦ દિવસથી ઓફિસે ધક્કા ખાઈ રહ્યા હતા. જો કે, પ્રદીપ મીટિંગ કરવાના ખોટા વાયદા કરીને સામે નહીં આવતા રોકાણકારો ચિંતિત થયા હતા. ગઈ કાલે એક પણ કર્મચારી ઓફિસે ન હોવાની જાણ થતાં રોકાણકારો ઓફિસે પહોંચ્યા હતા.