ધોરણ ૧૦-૧૨ની ડુપ્લીકેટ માર્કશીટ માટે હવે ધક્કો નહીં ખાવો પડે
અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સને ૧૯૫૨થી અત્યાર સુધીની ધોરણ-૧૦ અને ૧૨ની માર્કશીટનું ડિજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીને ડુપ્લીકેટ માર્કશીટ લેવા માટે ગાંધીનગરના ધક્કા ખાવા નહીં પડે પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવાથી ઘરે બેઠા માર્કશીટ મળી જશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને બોર્ડના આ નિર્ણયથી મોટી રાહત થશે. માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપનાથી લઈ અત્યાર સુધીની લગભગ પાંચ કરોડ માર્કશીટનું ડિજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ તેનું ટેસ્ટીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
આ કામગીરી પૂર્ણ થયા બાદ ઘરે બેઠા ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે અરજદારે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે અને તેના માટે નિયત કરેલી ફી ચૂકવવી પડશે. આ કાર્યવાહી થયા બાદ અરજદારને કુરિયર મારફતે ઘરે બેઠા એક અઠવાડીયામાં જ માર્કશીટ મળી જશે. નવી સીસ્ટમને કારણે સમય અને નાણાંનો વ્યય થતો અટકશે. જો કે, અત્યાર સુધી દર વર્ષે સરેરાશ ૫૦ હજાર જેટલી ડુપ્લીકેટ માર્કશીટ ઈશ્યુ કરવામાં આવતી હતી. પરંતુ ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે અરજદારે ગાંધીનગર ખાતે માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિસે ધક્કા ખાવા પડતા હતા.
પરંતુ નવી સીસ્ટમ અમલમાં આવ્યા બાદ ગાંધીનગરના ધક્કામાંથી મુક્તિ મળશે. માર્કશીટ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ ગણાતુ હોવાથી ક્યારેક તે ખોવાઈ જાય અથવા તો ફાટી કે તૂટી જાય ત્યારે ઘણા લોકોને રાજ્યના દૂરના વિસ્તારોમાંથી ગાંધીનગર આવવું પડે છે. કેટલાક લોકો તો ગુજરાતની બહાર શીફ્ટ થઈ ગયા હોય કે વિદેશ ચાલ્યા ગયા હોય તેમને પણ ક્યારેક આ કામ માટે ગાંધીનગરનો ધક્કો ખાવો પડે છે. લોકોને થતી હાલાકી નિવારવા માટે ગુજરાત બોર્ડ દ્વારા આ તમામ પ્રક્રિયાને ઓનલાઈન તેમજ સરળ કરી દેવા માટે કવાયત શરુ કરી દેવાઈ છે. બોર્ડના આ નિર્ણયને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓને બહુ મોટી રાહત થશે.