૧૧ દિ’માં અમદાવાદીઓએ ૨.૬ કરોડનો દંડ ભર્યો

File Photo
અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમોએ ૧થી ૧૧ જાન્યુઆરી સુધીમાં ૨,૪૪૯ લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પકડ્યા હતા અને તેમની પાસેથી કુલ ૨.૬ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. બોડકદેવ, બોપલ, થલતેજ, સિંધુ ભવન રોડ, ઘાટલોડિયા, ગોતા અને ચાંદખેડા જેવા ઉત્તર પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં સૌથી વધારે માસ્ક નિયમનું ઉલ્લંઘન કરનારાઓ જાેવા મળ્યા હતા.
ઉત્તર ઝોનના વિસ્તારો જેમ કે, સરદારનગર, કૃષ્ણનગર, સૈજપુર, નરોડા અને કુબેરનગરમાં સૌથી ઓછા કેસ જાેવા મળ્યા હતા. મે, ૨૦૨૧માં કોવિડ-૧૯ના કેસોમાં ઘટાડો થવાનું શરૂ થયા બાદ વિભાગે દંડ લેવાનું બંધ કર્યું હતું. પહેલીથી ૧૧ જાન્યુઆરી સુધીમાં અમે ઉત્તર પશ્ચિમ ઝોનના વિસ્તારોમાંથી ૪૮૬ લોકોને માસ્ક વગર પકડ્યા હતા.
મણિનગર, ખોખરા, બહેરામપુરા અને દાણીલીમડા જેવા દક્ષિણ ઝોનના વિસ્તારોમાંથી બીજા નંબરે સૌથી વધુ ૩૯૦ કેસ નોંધાયા હતા’, તેમ એએમસીના અધિકારીએ જણાવ્યું હતું. સૌથી ઓછી સંખ્યામાં ઉલ્લંઘન કરનારા ઉત્તર ઝોનના ૨૨૮ હતા, તેમ તેમણે ઉમેર્યું હતું. માસ્ક અને સોશિયલ ડિસ્ટનિંગના નિયમે લાગુ કરવા માટે અમે પહેલી જાન્યુઆરીથી શહેરમાં દરરોજ સરેરાશ ૮૦ ટીમ તૈનાત કરી હતી’, તેમ અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, એએમસી ઉલ્લંઘન કરનારાઓ પાસેથી ૧ હજાર રૂપિયા વસૂલે છે. ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જાેતા માસ્ક, હાઈજીન તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતના સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. રાજ્યમાં દૈનિક કેસની સંખ્યા ૧૦ હજારની નજીક પહોંચી ગઈ છે.
છેલ્લા કેટલાક દિવસથી ફરીથી ગત વર્ષ જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. બુધવારે (છેલ્લા ૨૪ કલાકમાં) ગુજરાતમાં ૯૯૪૧ કેસ નોંધાયા હતા જ્યારે ૪ લોકોના મોત થયા હતા.SSS