૧૧ વર્ષથી ફરાર ગુનેગાર પત્નીની અંતિમવિધિમાં ઝડપાયો
વલસાડ, વલસાડમાં વિદેશ મોકલવાના નામે ૨૦૧૦ ના વર્ષમાં પોલીસ મથકે નોંધાયેલા છેતરપિંડીના કેસમાં ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને વલસાડ સિટી પોલીસે દબોચી લીધો છે. આરોપીની પત્નીનું અવસાન થતાં ઘરે આવતા બાતમીના આધારે આરોપીને મિશન કોલોની ખાતેના તેના ઘરેથી ઝડપી પાડ્યો છે.
છેલ્લા ૧ દશકથી પોલીસના ચોપડે મોસ્ટ વોન્ટેડ આરોપી મોહંમદ શેખ પત્નીની અંતિમવિધિમાં આવ્યો અને પકડાયો હતો. વલસાડ પંથકમાં વર્ષ ૨૦૧૦માં મારિયા કન્સલટન્સીની બોલબાલા હતી. વિદેશમાં સારી નોકરી આપવા માટે જાણીતી આ કન્સલટન્સીના સંપર્કમાં અનેક ગુજરાતી યુવાનો ફસાયા હતા.
આ સંસ્થાના માલિક મહમંદ સલીમ યુસુફ શેખ અને તેના દીકરાના કરતૂતના કારણે અનેક લોકોએ જીવનમૂડી ગુમાવી હતી. યુવાનોને સિંગાપોર, મલેશિયા, ન્યુઝીલેન્ડમાં સારી નોકરી તથા સારો પગાર આપવાની લોભામણી વાતો કરી રકમ પડાવી હતી. સાથે જ નોકરી નહિ મળે તો પૈસા પાછા આપવાની બાંહેધરી પણ આપી હતી.
પરંતુ તેઓને વિદેશમાં નહિ મોકલી અને પૈસા પરત નહિ આપી છેતરપિંડી કરી હતી. તેમના વિરૂધ્ધ ૨૦ એપ્રિલ ૨૦૧૦ના રોજ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં આરોપી પુત્ર ઇરફાન સલીમ શેખને પકડવામાં આવ્યો હતો. જ્યારે તેના પિતા મહંમદ સલીમ અને બીજાે પુત્ર ઇરફાન ફરાર થયા હતા.
૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપી મહંમદ સલીમના પત્નીનું તાજેતરમાં જ અવસાન થયુ હતુ. તેથી તે પોતાની પત્નીની અંતિમ ક્રિયામાં આવનાર હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે મહંમદ સલીમને પોલીસે તેના ઘર પાસેથી પકડી પાડ્યો હતો. મહંમદ સલીમ શેખ અને તેના દીકરા ઇમરાન અને ઈરફાન દ્વારા ચાલવામાં આવતી મારિયા કન્સન્ટલસીના પાપે અનેક યુવાનો જે-તે સમયે બરબાદ થઇ ગયા હતા.
૨૦૧૦ માં ૧૯ જેટલા યુવાનોને ટુરિસ્ટ વિઝાના બહાને મલેશિયા લઇ ગયા હતા. ૩ દિવસ મલેશિયામાં રાખીને મુંબઈ પરત લાવવામાં આવ્યા હતા. તમામ ૧૯ લોકોને વર્ક પરમીટ ન મળતા વલસાડ પરત લાવવામાં આવ્યા હતા. છેતરાયેલા લોકોએ મોહંમ્મદ શેખ પાસેથી પોતાના રૂપિયા ૨ લાખ પાછા માંગ્યા હતા.
પરંતુ આ ભેજાબાજ મોહમ્મદે તમામને વાયદા કરી ઓફિસને તાળું મારી ફરાર થઇ ગયો હતો. જાેકે હવે ૧૧ વર્ષ બાદ અચાનક તેની પત્નીના મોતને કારણે વલસાડ આવેલ રીઢો ગુનેગાર ઝડપાઇ ગયો છે. ગુનેગાર પકડાઈ જવાથી છેતરાયેલા લોકોને આશા જાગી છે કે તેમના રૂપિયા પરત મળશે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં યુવાનોને વિદેશમાં રૂપિયા કમાવવાનું વધારે ઘેલું લાગ્યું છે.
છેલ્લા ૨ દશકમાં વલસાડ જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાનો વિદેશ પણ ગયા છે. જાેકે યુવાનોની આ ઘેલછા અને ભોળપણનો લાભ લઇ મોહમ્મદ જેવા લોકો છેતરપિંડી આચરવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. ત્યારે છેલ્લા ૧૧ વર્ષથી વલસાડ પોલીસ ચોપડે ફરાર આરોપી અંતે ઝડપાઇ ગયો છે.SSS