૧૧ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરનાર પ્રિન્સિપાલને ફાંસીની સજા
પાટણા: ૧૧ વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર ખાનગી શાળાના આચાર્યને ફાંસીની સજા કરવામાં આવી છે.આ કેસની સુનાવણી કરતા બિહારની રાજધાની પટણાની સ્પેશિયલ કોર્ટના જજ અવધેશ કુમારે પીડિત પરિવાર માટે રુ. ૧૫ લાખના વળતરની તથા દુષ્કર્મના આરોપી ખાનગી શાળાના આચાર્ય અરવિંદ કુમાર ઊર્ફ રાજ સિંઘાનીયાને ૧ લાખનો દંડની જાહેરાત કરી છે. જજ અવધેશ કુમારે દુષ્કર્મના ગુનામાં સાથ આપવા બદલ આરોપી અરવિંદના સાથીદાર શિક્ષક અભિષેક કુમારને આજીવન કારાવાસની સજાની સાથે રુ.૫૦,૦૦૦ નો દંડ પણ કર્યો છે. આ રકમ પણ પીડિત પરિવારને આપવાનો કોર્ટનો આદેશ છે. જજ અવધેશ કુમારે જણાવ્યું કે ગુનાની ગંભીરતા જાેતા આરોપી અરવિંદ કુમારને ફાંસીની સજાથી ઓછી સજા કરી શકાય તેમ નથી.
જુલાઈ અને ઓગસ્ટ ૨૦૧૮ માં આરોપી આચાર્ય અરવિંદ કુમારે પટણાની મિત્રમંડળ કોલોનીમાં આવલી તેની ન્યૂ સેન્ટ્રલ પબ્લિક સ્કૂલમાં ભણતી ૧૧ વર્ષીય વિદ્યાર્થીની પર વારંવાર દુષ્ક્રમ આચર્યું હતું. આરોપી અરવિંદ કુમારને આ ગુનામાં શાળાના શિક્ષક અભિષેક કુમારે પણ સાથ આપ્યો હતો. આરોપીના વારંવારના દુષ્કર્મનો ભોગ બનેલી ૧૧ વર્ષીય પીડિતા પાછળથી ગર્ભવતી બની હતી.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર સુરેશચંદ્ર પ્રસાદે જણાવ્યું કે પીડિતાને જ્યારે ઉલટી થવાનું શરુ થયું ત્યારે આ ઘટના સામે આવી હતી. માતાપિતા પીડિતાને દવાખાને લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તપાસ કરીને પીડિતા ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ માતાપિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પ્રસાદે જણાવ્યું કે શિક્ષક અભિષેકે પીડિતાને ફોસલાવીને કોપી ચેક કરવાને બહાને આચાર્યની ઓફિસમાં મોકલી હતી. ઓફિસની અંદર જ એક બેડ હતો જ્યાં આરોપીએ બે મહિનાની અંદર વારંવાર પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું.