Western Times News

Gujarati News

૧૧ સરકારી બાળ સંભાળ સંસ્થાઓના અંતેવાસી તમામ ૩૨૦ બાળકોના માં વાત્સલ્ય કાર્ડ્સ બનાવવાનું કામ પૂરું કરવામાં આવ્યું

વડોદરા: વડોદરા જિલ્લા બાળ સુરક્ષા એકમે સાવ નોખી રીતે  આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી કરી છે. આ સંસ્થાએ એકમના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કાર્યરત ૧૧ સરકારી બાળ સંભાળ સંસ્થાઓના અંતેવાસી તમામ ૩૨૦ છોકરા અને છોકરીઓના માં વાત્સલ્ય કાર્ડસ બનાવવાનું કામ પૂરું કરીને, આ આશ્રિત બાળકોને આરોગ્ય સુરક્ષાની ખાતરી આપતું રાજ્ય સરકાર પ્રેરિત કવચ પૂરું પાડ્યું છે.

આ ઉપક્રમ હેઠળ આજે જિલ્લા પંચાયત, વડોદરાની આરોગ્ય શાખાના તેમજ વડોદરા મહા નગરપાલિકાની આરોગ્ય શાખાના સહયોગ થી એક જ દિવસમાં ૧૪૪ બાળકોના મા વાત્સલ્ય કાર્ડસ બનાવવાની કામગીરી પૂરી કરીને આંતર રાષ્ટ્રીય બાળ દિવસની ખૂબ જ સાર્થક ઉજવણી કરી હતી.

વડોદરા જિલ્લાની બાળ સંભાળ સંસ્થાઓમાં ૨૩૮ છોકરાઓ અને ૮૨ છોકરીઓની માબાપની માફક સંપૂર્ણ સાર સંભાળ લેવામાં આવે છે એવી જાણકારી આપતાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવા એ જણાવ્યું કે, આ બાળકો મોટાભાગે પરિવારવિહોણા, દિવ્યાંગ, કાયદા સાથે સંઘર્ષમાં આવેલા કે નિરાધાર છે અને સરકારના માપદંડો પ્રમાણે મા વાત્સલ્ય કાર્ડ હેઠળ આરોગ્ય સેવાઓનો લાભ મેળવવાને પાત્ર છે. તેને અનુલક્ષીને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તેમજ વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સહયોગથી એમના મા કાર્ડ્સ બનાવવાની કામગીરી એક અભિયાનના રૂપમાં હાથ ધરી જે આજે પૂરી થઈ છે.

અત્યાર સુધી આ બાળકોની માંદગી પ્રસંગે સરકારી દવાખાનામાં સારવાર લેવા સિવાય કોઈ વિકલ્પ ન હોતો અને ગંભીર માંદગી જેવા કિસ્સાઓમાં ઘણીવાર મુંઝવણ અનુભવવી પડતી. હવે માં વાત્સલ્ય કાર્ડને આધારે અનિવાર્ય સંજોગોમાં યોજના હેઠળ માન્યતા પામેલી ખાનગી હોસ્પિટલમાં બાળકોની સારવાર સરળતાથી અને વિનામૂલ્યે કરાવી શકાશે. આ કાર્ડ્સ બનાવવા માટે અરજદાર બાળકની આવકનું પ્રમાણપત્ર બનાવવું જરૂરી છે. આ કામમાં મામલતદાર કચેરીએ સહયોગ આપ્યો અને આશ્રિત બાળકોની કોઈ આવક નથી એવા પ્રમાણપત્રો કાઢી આપીને કામ સરળ બનાવ્યું.

રાજ્ય સરકાર બાળ સંભાળના ભાગરૂપે આ બાળકોને આશ્રય, હૂંફ અને સુરક્ષાની સાથે વિનામૂલ્યે આરોગ્ય, શિક્ષણ, નિવાસ, ભોજનની સગવડો વિનામૂલ્યે આપે છે. હવે માં કાર્ડ્સ મળતા ગંભીર બીમારી જેવી કટોકટીની પરિસ્થિતી માં તેમના આરોગ્યની કાળજી વધુ સારી રીતે લઈ શકાશે.

મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ઉપક્રમે મા કાર્ડ્સ બનાવવાની કામગીરી સાથે સંકળાયેલા ચિરાગભાઈ એ જણાવ્યું કે અમે સેવા સેતુ કાર્યક્રમોમાં સરેરાશ કાર્યક્રમ દીઠ ૨૫ કાર્ડ્સ બનાવીએ છે અને આ કાર્ડ વ્યક્તિગત અરજદારોના નહીં ફેમિલીના સદસ્યોને આવરી લઈને બનાવવામાં આવે છે. આ ઉપરાંત વિશ્વ વડીલ દિવસની ઉજવણી રૂપે મુનિ સેવાશ્રમ સંચાલિત સંસ્થાઓના અંતેવાસી ૩૫ વડીલો, ૧૮ બાળકો અને ૭૫ મનો દિવ્યાંગ બહેનોના કાર્ડ્સ બનાવ્યા હતા અને તે અગાઉ દીપક ફાઉન્ડેશનના સહયોગથી સરકારી બાળ ગોકુલમના આશ્રિત ૧૩૦ બાળકોના કાર્ડ્સ એક ઝુંબેશના રૂપમાં બનાવી આપ્યા હતા.

સરકારી બાળ સંભાળ સંસ્થાઓના આશ્રિત બાળકો નિરાધાર નથી પણ સરકાર જ તેમની મા-બાપ જેવી કાળજી લેવા સંકલપબદ્ધ છે. વડોદરા જિલ્લા બાળ સુરક્ષા એકમે આ કાર્ય દ્વારા આંતર રાષ્ટ્રીય બાળ દિવસે કાળજી માટેની આ સંવેદનશીલતાની પ્રતીતિ કરાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.