૧૨૦૦ બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં OPD ફરીથી શરૂ થઈ
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી ૧૨૦૦ બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં ઓ.પી.ડી. અને આઇ.પી.ડી. સેવાઓનો પુન:આરંભ કરવામાં આવ્યો છે.લાંબા સમયથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કોરોના હોસ્પિટલમાં પરિવર્તિત કરાયેલ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં આજથી જ આરોગ્યલક્ષી સેવાઓ પૂર્વવત કરાઇ છે.
સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ વિગતો આપતા જણાવ્યું હતુ કે, કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થતા તત્કાલિન પરિસ્થિતિને ધ્યાને લઇને સરકાર દ્વારા ૧૨૦૦ બેડ હોસ્પિટલને કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવી હતી.અત્યારસુધીમાં કોરોના ડેઝીગ્નેટેડ આ હોસ્પિટલમાં એક લાખથી વધુ દર્દીઓએ ઓ.પી.ડી. સેવાઓનો લાભ મેળવ્યો છે.
કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવતા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ૧૨૦૦ બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલની સેવાઓ પૂર્વવત કરીને બાળરોગ અને મહિલા લગતી બિમારીઓમાં અલાયદી સેવાઓનો પુન:આરંભ કરાવવામાં આવ્યો છે.છેલ્લા એક મહિનાથી ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં એક પણ કોરોના પોઝીટીવ દર્દી નવા દાખલ થયેલ નથી.
હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે જરૂર પડ્યે ૨૦૦ બેડની અલાયદી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. સંભવિત ત્રીજી લહેરના તમામ પડકારો ઝીલવા માટે પણ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાનું સિવિલ સુપ્રીટેન્ડેન્ટે ઉમેર્યુ હતુ.
આજથી ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં શરૂ થયેલ ઓ.પી.ડી. અને આઇ.પી.ડી. સેવાઓમાં ગાયનેક વિભાગમાં ૧૩૦ દર્દીઓ અને બાળરોગ વિભાગમાં ૧૨૦ દર્દીઓએ ઓ.પી.ડી. સેવાઓનો લાભ મેળવ્યો હતો.
બાળરોગ અને ગાયનેક વિભાગની સેવાઓ સંપૂર્ણપણે કાર્યરત થઇ છે. આવનારા સમયમાં બાળરોગ સર્જરી અને યુરોલોજી જેવી સુપરસ્પેશાલિટી સેવાઓ ટૂંકસમય માં જ તબક્કાવાર કાર્યરત કરાવવામાં આવશે તેમ ડૉ.જોષીએ જણાવ્યું હતુ.