૧૨૧૦૦૦ એમ્ફોટેરિસિન ઈન્જેક્શન ભારતમાં પહોંચ્યા
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે બ્લેક ફંગસના કારણે મુશ્કેલી વધી છે. દેશમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના ૧૧,૦૦૦ કરતા પણ વધારે કેસ નોંધાઈ ચુક્યા છે. બ્લેક ફંગસની સૌથી વધારે અસર ગુજરાતમાં નોંધાઈ છે જ્યાં તેના ૨,૮૦૦ જેટલા કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા ૨,૭૦૦ છે. આંધ્ર પ્રદેશમાં ૭૦૦ દર્દીઓ બ્લેક ફંગસનો સામનો કરી રહ્યા છે જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ બ્લેક ફંગસના ૬૨૦ દર્દીઓ છે.
બ્લેક ફંગસના કેસ વધી રહ્યા હોવાથી તેની સારવાર માટેના ઈન્જેક્શનની પણ તંગી નોંધાઈ છે. વડાપ્રધાન મોદીએ બ્લેક ફંગસની સારવાર માટેના એમ્ફોટેરિસિન ઈન્જેક્શન કોઈ પણ જગ્યાએથી ઉપલબ્ધ કરવા આદેશ આપ્યો છે. આ કારણે સ્વાસ્થ્ય વિભાગે અનેક દેશોનો સંપર્ક સાધ્યો હતો અને જાણવા મળ્યા મુજબ અમેરિકા સ્થિત ગિલિયડ સાયન્સીઝ બોર્ડ ભારતને વેક્સિન સપ્લાય પૂરો પાડવા આગળ આવ્યું છે.
અત્યાર સુધીમાં એમ્ફોટેરિસિન ઈન્જેક્શનની ૧,૨૧,૦૦૦થી પણ વધારે શીશીઓ ભારત પહોંચી ચુકી છે. જ્યારે અન્ય ૮૫,૦૦૦ શીશીઓ રસ્તામાં છે. જાણવા મળ્યા મુજબ અમેરિકી કંપની આશરે ૧ મિલિયન ડોઝ પૂરા પાડશે. આ જ રીતે બાકીના દેશોનો સંપર્ક પણ સાધવામાં આવી રહ્યો છે. સરકાર બ્લેક ફંગસ સામેની લડાઈમાં દવા કે ઈન્જેક્શનની તંગી ન આવે તે માટે પ્રયત્ન કરી રહી છે.