૧૩૦ કરોડ ભારતીય હિંદુવાળા નિવેદન પર મોહન ભાગવત સામે એફઆઇઆર
નવીદિલ્હી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતના ‘બધા ૧૩૦ કરોડ ભારતીય હિંદુ છે’ વાળા નિવેદન સામે વરિષ્ઠ કોંગ્રેસ નેતા વી. હનુમંત રાવે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે સંઘ નેતાએ એવુ કહીને લોકોની ભાવનાઓ ઠેસ પહોંચાડી છે કે બધા ૧૩૦ કરોડ ભારતીય હિંદુ છે.
રાજ્યસભાના પૂર્વ સભ્ય રાવે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો, ભાગવતના નિવેદનથી માત્ર મુસ્લિમ, ઈસાઈ, સિખ, પારસીઓ વગેરેની ભાવનાઓ અને આસ્થાઓને ઠેસ પહોંચી છે એટલુ જ નહિ પરંતુ આ ભારતીય બંધારણની મૂળ ભાવનાની પણ વિરુદ્ધ છે. વી હનુમંત રાવે કહ્યુ આનાથી જનતા વચ્ચે સાંપ્રદાયિક તણાવ વધશે અને આનાથી હૈદરાબાદમાં કાયદો તેમજ વ્યવસ્થાની સમસ્યા પણ પેદા થઈ શકે છે.
એલબી નગર પોલિસ સ્ટેશનના નિરીક્ષક અશોક રેડ્ડીએ સંપર્ક કરવા પર જણાવ્યુ કે તેમને કોંગ્રેસ નેતા તરફથી એક ફરિયાદ મળી હતી અને આ અંગે કાયદાકીય મંતવ્ય લેવામાં આવી રહ્યુ છે કે આમાં કોઈ કેસ બને છે કે નહિ. તમને જણાવી દઈએ કે ભાગવતે ૨૫ ડિસેમ્બરે અહીં એક જનસભામાં કહ્યુ હતુ કે ધર્મ અને સંસ્કૃતિ પર ધ્યાન આપ્યા વિના જે લોકો રાષ્ટ્રવાદી ભાવના રાખે છે અને ભારતની સંસ્કૃતિ તથા તેના વારસાનુ સમ્માન કરે છે, તે હિંદુ છે અને આરએસએસ દેશના ૧૩૦ ભારતીય લોકોને હિંદુ માને છે.