Western Times News

Gujarati News

૧૩૦ NGO દ્વારા સરકારી ફંડમાં ઘાલમેલ, કેન્દ્ર બ્લેક લિસ્ટ કરી દેશે

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર એવી એનજીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે જે લોકોના કલ્યાણ માટે દાવા કરે છે પરંતુ ટેક્સમાં ઘાલમેલ કરતી હોય છે. સામાજિક ન્યાય મંત્રાલયે આવી લગભગ ૧૩૦ જેટલી એનજીઓની ઓળખ કરી છે. આ તમામ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. કોઈકે રેકોર્ડ જાળવ્યો ન હતો, તો કોઈકે સરકારની ગ્રાન્ટમાં તેણે શું કર્યું તે જણાવી ન શક્યું. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ ડિફેન્સ (એનઆઈએસડી) ના અધિકારીઓના નેતૃત્વ હેઠળ નામી સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તમામ ઈન્સપેક્શન કર્યું હતું. એક અહેવાલ મુજબ આ લોકોએ ૭૦૦ સંસ્થાઓનો સર્વે કર્યો હતો, જેમાંથી લગભગ ૧૩૦ જેટલી એનજીઓ એવી હતી કે જેમના વ્યવહાર યોગ્ય ન હતા.

મંત્રાલય આ તમામ એનજીઓને બ્લેકલિસ્ટ કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત નિયમનકારી નિયમો પણ કડક બનાવી શકાય છે. નિરીક્ષણ કરનારી ટીમમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી), તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (ટીઆઈએસએસ) અને દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર આ તમામ એનજીઓને વાર્ષિક રૂ. ૨૫ લાખની ગ્રાન્ટ મળી રહી હતી.

અનેક એનજીઓએ કામચલાઉ ધોરણે સ્ટાફને નોકરીએ રાખ્યો હતો. કેટલાકે લાભાર્થીઓને થોડો સમય લાભ આપ્યો, પછી છોડી દીધા. યોગ્ય રેકોર્ડ ન રાખવાની ફરિયાદો ખૂબ સામાન્ય હતી. અનેક એનજીઓએ તેમનું સરનામું બદલ્યું પરંતુ રેકોર્ડ્‌સને અપડેટ કર્યા નહીં. તેલંગાણાના ડ્રગ ડિ-એડિક્શન સેન્ટરમાં ડોકટરોની મુલાકાતની કોઈ વિગતો નહોતી. નજીકમાં રહેતા લોકોને ખબર ન હતી કે આવું કેન્દ્ર છે. ગુજરાતની એન.જી.ઓ. ને ગ્રાન્ટ મળી પરંતુ આજદિન સુધી કોઈ કામગીરી થઇ નથી. ઓવરચાર્જિંગનો મુદ્દો ઘણી એનજીઓનો હતો.

જે ૭૦૦ સંસ્થાઓનું ઈન્સપેકશન થયું તેમાંથી ૩૩૬ ડ્રગ્સ પુનર્વસન સાથે સંકળાયેલી હતી. ૨૫૩ એનજીઓ એવી હતી કે જે વૃદ્ધ નાગરિકોના કલ્યાણ માટે કાર્ય કરે છે.  અતિ પછાત જાતિ માટે ૧૦૦ થી વધુ સંસ્થાઓ કામ કરે છે. જે સંસ્થાઓ રડાર પર છે તેમાં સૌથી વધુ એનજીઓ મહારાષ્ટ્રની(૨૦) છે. કર્ણાટકની ૧૩, રાજસ્થાનની ૧૧ અને ઉત્તર પ્રદેશની ૮ એનજીઓ પર મંત્રાલયની નજર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.