૧૩ ગુજરાતીઓ પોલેન્ડમાં ફસાયા: સરકાર પાસે માંગી મદદ
અમદાવાદ, કોરોના વાયરસે દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે વિશ્વના દેશો શટડાઉનની જાહેરાત કરી રહ્યા છે. જેના કારણે ભારતના અનેક લોકો વિદેશમાં ફસાયા છે. વિદેશથી આવતી ફ્લાઇટો જ રદ કરાતા લોકો જે તે દેશમાં અટવાયેલા છે. પોલેન્ડમાં અભ્યાસ અર્થે ગયેલા સુરતના ત્રણ વિદ્યાર્થીઓ સહિત ૧૩ ગુજરાતીઓનું જૂથ પણ આવી જ મુશ્કેલીમાં મૂકાયું છે. આ લોકોએ એક વીડિયો જાહેર કરીને સરકાર પાસે મદદની માંગણી કરી છે.
સુરતના મોટા વરાછા ખાતે રહેતા અને હાલમાં પોલેન્ડમાં અભ્યાસ માટે ગયેલા વિરેન્દ્ર જગદીશભાઇ રામાણી પોલેન્ડના એપોલો શહેરમાં રહે છે. કોરોનાના કારણે કાલેજ એક મહિના સુધી બંધ કરી દેવાઇ છે. આ શહેરમાં કોરોનાના પાંચ જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેણે સુરત આવવા માટે ૧૩મી માર્ચે એલઓટી ફ્લાઇટમાં તારીખ ૧૭મી માર્ચનું બુકિંગ કરાવ્યું હતું. દરમિયાન ભારત સરકારે ૧૫મી માર્ચે વિદેશી ફ્લાઇટને ભારત આવતા રોકી દેવાનો નિર્ણય કરતા તેમની ફ્લાઇટ રદ થઈ હતી.
જોકે, પછીથી એવું જણાવવામાં આવ્યું હતું કે ૧૬ અને ૧૭ માર્ચના રોજ ફ્લાઇટ ઉડશે. જે બાદમાં લોકોએ આ બંને તારીખે ફ્લાઇટ બુક કરાવી હતી. જે બાદમાં ૧૬મી તારીખે ફરીથી કહી દેવાયું કે ફ્લાઇટ નહીં ઉડે. બાદમાં ૧૭મી તારીખે ફ્લાઇડ ઉપડશે તેવું કહેવું હતું. જોકે, ૧૭મી તારીખની ફ્લાઇટ પણ રદ થઈ હતી. જે બાદમાં આ તમામ લોકોએ પોલેન્ડ ખાતે ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેઓને જણાવવામાં આવ્યું હતું કે આગામી ૨૮મી સુધી કોઈ જ ફ્લાઇટ નહીં ઉડે.
ચિંતાની વાત એ હતી કે તમામ લોકો ડોમમાંથી ચેકઆઉટ કરીને નીકળી ગયા હોવાથી ફરીથી નિયમ પ્રમાણે ચેકઇન પણ કરી શક્યા ન હતા. બાદમાં તેમણે રાત એરપોર્ટ પર જ પસાર કરવી પડી હતી. કેટલાક લોકોએ તો ત્રણ ત્રણ દિવસ એરપોર્ટ પર પસાર કર્યા હતાં. હવે ક્યાં જવું તેવી વિમાસણમાં કેટલાક યુવાનોએ એક વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. એરપોર્ટ પર ફસાયેલા ૧૩ લોકોના જૂથમાં સુરતના ત્રણ યુવક, રાજકોટ, જામનગર તેમજ સૌરાષ્ટ્રના લોકોનો સમાવેશ થાય છે.