૧૩ વર્ષના યશની કિડની ફેઇલ થતા… પિતાએ કિડની દાન કરી
સફળ પ્રત્યારોપણ બાદ નેફ્રોટિક સિન્ડ્રોમ નામની બિમારીએ યશના જીવનમાં પગપેસારો કર્યો
અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં અત્યંત ખર્ચાળ ગણાતી “પ્લાઝમાફેરેસિસ” સારવાર દ્વારા યશને યશસ્વી જીવન મળ્યું
“સ્કુલ હેલ્થ કાર્યક્રમ”હેઠળ૨૫ લાખના માતબર ખર્ચની સારવાર નિ:શુલ્ક ઉપલ્બધ થઇ
૧૩ વર્ષીય યશને સ્કુલમાં અભ્યાસ કરી અને બાકીનો સમય રમત-ગમતમાં પાસર કરી ખુશખુશાલ જીવન વ્યતિત કરી રહ્યો હતો. પરંતુ તેણે તો ક્યાં ખબર હતી કે ૨૦૧૮નું વર્ષ તેના માટે કાળમુખુ બની રહેશે. વર્ષ ૨૦૧૮માં યશની કિડની ફેલ થવાની તેના પરિવારજનોને જાણ થઇ. જે સાંભળી પરિવારજનોના પગ તળે જમીન ખસી ગઇ !!આ સમસ્યાની સારવારના ભાગરૂપે ડાયાલિસીસની જરૂરિયાત જણાઇ આવતા નિયમિત ડાયાલિસીસ શરૂ કરાવવામાં આવ્યું.
બાળકની વેદના વળી પિતા કેમની જોઇ શકે ? ગમે તે ભોગે પોતાના ૧૩ વર્ષીય બાળક યશને બચાવવા તેના પિતા અથાગ મહેનત કરી રહ્યાં હતા. તેઓએ કિડની હોસ્પિટલના તબીબોને પોતાની કિડની બાળકમાં પ્રત્યારોપણ કરવા માટેનો પણ પ્રસ્તાવ મૂક્યો. સદભાગ્યે યશના પિતાનું કેડેવર યશથી મળી આવ્યું અને ૨૦૧૯માં પોતાના પિતા દ્વારા દાન કરાયેલી કિડનીના પ્રત્યારોપણ થકી યશને નવજીવન મળ્યું.
પરંતુ દુર્ભાગ્યનું પૈડું અહીંયા થંભે એવું તો ક્યાં હતું….યશના પિતા દ્વારા દાન કરાયેલી કિડની વળે કરવામાં આવેલા પ્રત્યારોપણ બાદ એક જ દિવસમાં યશ “નેફ્રોટિક સિન્ડ્રોમ” નામની બિમારીથી પીડાતો થયો. જે સમગ્ર વિશ્વમાં જૂજ પ્રમાણમાં જોવા મળતી બિમારી છે.
આ બિમારીનું નિદાન થતા “પ્લાઝમાફેરેસિસ” જ એક માત્ર વિકલ્પ હતો જે પોતે જ એક ખર્ચાળ થેરાપી છે. જેમાં લોહીને પાછુ ખેચીંને પ્લાઝમાં અને કોષો ને છૂટા પાડવામાં આવે છે અને આ કોષોને રક્તપ્રવાહમાં ફરીથી સ્થાનાંતરિત કરીને લોહીમાંથી પ્લાઝમાં દૂર કરવાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને ઓટોઇમ્યુન સ્થિતિમાં પહોંચેલા માનવશરીરમાંથી એંટીબોડીને હટાવવા માટે કરવામાં આવે છે. જે કારણોસર તે અત્યાંત ખર્ચાળ બની રહે છે.
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કિડની હોસ્પિટલના તબીબ ડૉ. સાહા કહે છે કે , આ સમગ્ર સારવાર દરમિયાન અમને વિશ્વાસ હતો કે પ્રત્યારોપણ કરવામાં આવેલી કિડનીમાં પ્લાઝમાફેરેસિસ પ્રક્રિયાથી હકારાત્મક પરિણામ મળી રહેશે.
પરંતુ તેને કેટલો સમય લાગશે તેની સમયમર્યાદાને લઇ એક પ્રશ્નાર્થ હતો. પરંતુ અન્યત્ર વિકલ્પ ન હોઇ અમે માતા-પિતાની સહમતી થી આ થેરાપી માટે આગળ વધ્યા.
પ્લાઝમાફેરેસિસના ૫૦ સેશન્સ બાદ અમને ધાર્યુ પરિણામ મળવાનું શરૂ થયું .અને તબીબોની મહેનત અને માતા-પિતાની તબીબોમાં રાખેલી શ્રધ્ધા કામે લાગી. આજે યશમાં પ્રત્યારોપણ થયેલ કિડની સામાન્ય સ્થિતિમાં 0.6 એમજી/ડીએલનું ક્રિએટિનાઇન લેવલ જાળવી રહી છે.
સમગ્ર ભારતદેશમાં જોવા મળતા જૂજ કિસ્સામાનાં અત્યંત જટીલ કિસ્સાઓ અને સારવાર અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કિડની હોસ્પિટલમાં શક્ય બનવાનું દ્રષ્ટિવંત ઉદાહરણ જોવા મળ્યું છે
જે વિશે કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રા કહે છે કે,પ્લાઝમાફેરેસિસના સારવારનો વિદેશમાં સેશન દીઠ ૨૦૦૦ યુ.એસ. ડોલર એટલે કે અંદાજે 14 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લાના સોનપરા ગામના ખેડૂત પરિવારના યશસ્વી પુત્ર યશના જીવનને કાર્યદક્ષ બનાવવા અંદાજીત ૨૫ લાખની અત્યંત ખર્ચાળ સારવાર શક્ય ન હતી. પરંતુ સરકારશ્રીના શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સમગ્ર સારવારને આવરી લેવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકાર રાજ્યના તમામ વયજૂથના નાગરિકોના સ્વાસ્થયની દરકાર કરી રહી છે. ખાસ કરીને સ્કુલમાં ભણતા બાળકોની તમામ પ્રકારની ગંભીર બિમારીને સ્કુલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ આવરી લઇને તમામ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. યશ જેવા અનેક બાળકોની યશકલગીમાં વધારો થયો છે અને તેઓનું જીવન આ યોજના હેઠળ મેળવેલી સારવારના કારણે વધુ કાર્યદક્ષ બન્યું છે.