૧૪થી ૧૮ મે વચ્ચે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ૩૮-૪૮ લાખે પહોંચશે
નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરને કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. દૈનિક કોરોના કેસ દરરોજ નવા રેકોર્ડ્સ બનાવી રહ્યા છે. હવે એક્સપર્ટ્સ એ અનુમાન લગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આ બીજી લહેર કેટલા સમય સુધી ચાલશે અને કોરોનાની પીક કેટલી હશે. વૈજ્ઞાનિકોએ પીક ટાઈમિંગ અને પીક વેલ્યુની ગણતરીના આધારે અંદાજ લગાવ્યો છે કે, કોરોનાની બીજી લહેર ૧૪થી ૧૮મેની વચ્ચે પીક પર હશે અને એક્ટિવ કેસોની સંખ્યા ૩૮-૪૮ લાખની સપાટીએ પહોંચશે.
દરરોજ નોંધાતા કોરોનાના કેસોને જાેતા આગામી બેથી ત્રણ અઠવાડિયા સુધી રાહતના કોઈ સંકેત મળી રહ્યા નથી. આઈઆઈટીના વૈજ્ઞાનિકોએ કોરોનાના કેસ અને પીક પર મેથેમેટિકલ મોડેલના આધારે આગાહી કરી છે કે, આવતા મહિને ૧૪-૧૮ મે વચ્ચે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ૩૮-૪૮ લાખ સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે નવા કેસોની સંખ્યા આગામી ૧૦ દિવસમાં ૪.૪ લાખને આંબી જશે.
નેશનલ સુપર મોડેલ ઈનિસિયેટિવ સાથે સંકલાયેલા આઈઆઈટી કાનપુરના મનિન્દ્ર અગ્રવાલે ટિ્વટ કર્યું હતું કે, મેં હવે પીક વેલ્યુ અને ટાઇમિંગ માટેના મૂલ્યોની શ્રેણીની ગણતરી કરી છે અને અંતિમ સંખ્યાઓ આ શ્રેણીની અંદર હોવી જાેઈએ. જેના આધારે તેમણે જણાવ્યું કે, એક્ટિવ અને નવા કેસોની પીક ટાઈમિંગ ક્રમશઃ ૧૪થી ૧૮ મે અને ૪થી ૮ મે વચ્ચે રહેશે. જ્યારે એક્ટિવ અને નવા કેસોની પીક વેલ્યુ ક્રમશઃ ૩૮-૪૮ લાખ અને ૩.૪થી ૪.૪ લાખ સુધી પહોંચી શકે છે.
વેલ્યુની આગાહી મુજબ ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતાં પહેલા મે મહિનાના મધ્ય સુધી આંકડો વધતો રહેશે, અને જાે હાલનું મોડેલ ટ્રેન્ડને યોગ્ય રીતે દર્શાવે તો, મે મહિનાનું પીક ગત વર્ષે ૧૭ સપ્ટેમ્બરના રોજ જાેવા મળેલા ૧૦ લાખથી વધુ એક્ટિવ કેસોની પહેલી પીક કરતા ચાર ગણા વધારે હશે.
જણાવી દઈએ કે, રવિવારે ભારતમાં કુલ એક્ટિવ કેસનો આંકડો ૨૬,૮૨,૭૫૧ પર પહોંચી ગયો છે. જાેઈને એક એપ્રિલના રોજ મોડેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, ૧૫-૨૦ એપ્રિલ વચ્ચે એક્ટિવ કેસોની સંખ્યા ૧૦ લાખ હશે જે ગત વર્ષે સપ્ટેમ્બરમાં જાેવા મળી હતી. જાેકે, આ આંકડા પાછળથી ગયા અઠવાડિયે સુધારવામાં આવ્યા હતા, જેમાં ૧૧-૧૫ મેની વચ્ચે એક્ટિવ કેસોની સંખ્યા ૩૩-૩૫ લાખ સુધી પહોંચવાની સંભાવના હતી.
આગાહીમાં આટલા મોટા અંતરના કારણો વિશે પૂછવામાં આવતા મનિન્દ્ર અગ્રવાલે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, અમે અમારા મોડેલમાં ભારતની પેરામીટર વેલ્યુમાં વધારો જાેઈ રહ્યા હતા અને તેના કારણે પાછલું મોડેલ સચોટ ન હતું. તેમણે કહ્યું કે, રાજ્યોના નવા ડેટાના આધારે પેરામીટર વેલ્યુ બદલાતી હોય છે, જેથી કરીને પીક વેલ્યુ પણ બદલાઈ. ત્રણ વૈજ્ઞાનિકો (મનિદ્ર અગ્રવાલ, માધુરી કાનિટકર અને મથુકુમાલ્લી વિદ્યાસાગર) દ્વારા સાઈન્ટિફિક પેપર પર ઘણા દેશોમાં કોરોના રોગચાળાની આગાહી કરવા મોડેલનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.