૧૪ મહિના પછી મહેબુબા મુફ્તિની નજરબંદી હટાવાઈ
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબુબા મુફ્તિને ૧૪ મહિના નજરબંદ રાખ્યા પછી છોડવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પ્રશાસનના પ્રવક્તા રોહિત કંસલે મંગળવારે આ જાણકારી આપી હતી. મહેબુબાની ગત વર્ષે ૫ ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા પછી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યાના એક દિવસ પહેલા અટકાયત કરી હતી.
છુટકારા પછી મહેબુબા મુફ્તિના સત્તાવાર ટિ્વટર એકાઉન્ટથી તેમની પુત્રી ઇલ્તિજા મુફ્તિએ ટિ્વટ કર્યું હતું કે જેમ કે શ્રીમતી મુફ્તિની અવૈધ અટકાયત સમાપ્ત થઈ ગઈ છે. હું તે બધાને ધન્યવાદ આપવા માંગું છું જેમણે આ મુશ્કેલ સમયમાં મારું સમર્થન કર્યું છે.
હવે હુ ઇલ્તિજા તમારાથી વિદાય લઉ છું. અલ્લાહ તમારી રક્ષા કરે. મહેબુબાની અટકાયત કરાયા પછી ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૯થી ઇલ્તિજા તેમના ટિ્વટર એકાઉન્ટથી ટિ્વટ કરતી હતી. ઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષ કરતા વધારે સમયથી નજરબંદ મહેબુબા મુફ્તિના છોડાવવા માટે તેની પુત્રી ઇલ્તિજા સુપ્રીમ કોર્ટમાં પણ ગઈ હતી.
૨૯ સપ્ટેમ્બરે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે કેન્દ્ર જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તિને કેટલા સમય સુધી અને કયા આદેશથી અટકાયતમાં રાખવા માંગે છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના નેતા ફારુક અબ્દુલા અને તેમના પુત્ર ઓમર અબ્દુલાની પણ પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત અટકાયત કરી હતી. આ વર્ષે ૧૩ માર્ચે ફારુક અબ્દુલાને અને ૨૪ માર્ચે ઉમર અબ્દુલાને છોડવામાં આવ્યા હતા.