૧૫મી મે બાદ બજારોમાં કેસર કેરીનું આગમન થશે
રાજકોટ: ઉનાળો નજીક આવતા જ લોકો કેસર કેરીની રાહ જાેવા લાગે છે, ખાસ કરીને ગૃહિણીઓ કારણ કે ઘરમાં કેરીનું આગમન થતાં જ રોજ-રોજ શું બનાવવાનું તેવી તેમની ચિંતા દૂર થઈ જાય છે. જાે કે, આ વખતે રસદાર કેસર કેરી બજારોમાં મોડી આવશે તેવી શક્યતા છે. ખેડૂતોનું કહેવું છે કે, લાંબા સમય સુધી ચાલેલુ ચોમાસુ અને કમોસમી વરસાદના કારણે ફળના પાકમાં વિલંબ થયો છે.
કેરીના ઉત્પાદકો અને કૃષિ નિષ્ણાતોનું કહેવું છે કે, ગુણવત્તાવાળી કેસર કેરી બજારોમાં ૧૫મી મે બાદ આવશે તેવી શક્યતા છે.એપ્રિલ-મે મહિનામાં કોઈ સાઈક્લોન સ્થિતિ ન ઉભી થાય તે માટે ખેડૂતો પણ પ્રાર્થના કરી રહ્યા છે, જે સામાન્ય રીતે પાકને નુકસાન પહોંચાડે છે. ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ૨૦ હજાર હેક્ટર જમીનમાં કેસર કેરી ઉગાડવામાં આવી છે.
સીઝન દીઠ સરેરાશ પાક ૨ લાખ મેટ્રિક ટન છે. આ વખતે આંબા પર આવેલા મોરને જાેતાં, આગામી ચારથી પાંચ મહિનામાં હવામાનની સ્થિતિના આધારે ઉત્પાદન આશરે ૨ લાખ ટન જેટલું થવાની શક્યતા છે. જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સટીના ડિપાર્ટમેન્ટ ઓફ હેડ પ્રોફેસર ડીકે વારુએ જણાવ્યું કે, આ વર્ષે વરસાદ મોડો હતો. ઓક્ટોબર-નવેમ્બરમાં ફૂલ આવવાની શરુઆત થઈ હતી,
૨૫ દિવસ સુધી કોલ્ડ વેવની સ્થિતિ હોવાથી તેની અસર ફૂલો પર થઈ હતી. દિવસ અને રાતના તાપમાન વચ્ચેનું અંતર ૨૦ ડિગ્રી સેલ્સિઅસથી વધારે હતું અને કેટલીકવાર રાતે તાપમાન ૬ ડિગ્રી જેટલું નીચે જતું રહેતું હતું. આ બધા પરિબળોને જાેતા, ૧૫મે પછી સારી ગુણવત્તાવાળી કેસર કેરી બજારમાં આવે તેવી શક્યતા છે. ખેડૂતોના કહેવા પ્રમાણે, પ્રારંભિક કેરીનો ૧૦થી ૧૫ ટકા પાક ૨૦મી એપ્રિલ સુધીમાં બજારમાં આવી જશે, પરંતુ તેનો સ્વાદ કેસર કેરીનો જેવો હોવો જાેઈએ તેવો નહીં હોય.