૧૫મેના રોજ ગુજરાત પર ‘તૌકતે’ વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Hurricane-1.jpg)
Files Photo
અમદાવાદ: ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરના પ્રકોપ વચ્ચે બીજી એક કુદરતી આફત દસ્તક દઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૧૫ મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય થવાની સંભાવના છે. આગાહીમાં જણાવ્યા મુજબ ૧૬ મેના રોજ ‘તૌકતે’ નામનુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. વધુમાં આગાહી કરવામાં આવી છે કે ઐ વર્ષનુ પહેલુ વાવાઝોડુ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કિનારે ટકરાઈ શકે છે.
હવામાન વિભાગ મુજબ ૧૪મેના રોજ અરબી સમુદ્રમાં હવાનુ દબાણ સર્જાઈ શકે છે. જે ૧૫ મેના રોજ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જે ત્યારબાદ ૧૬ મેના રોજ વાવાઝોડા તરીકે સક્રિય થઈ શકે છે. વાવાઝોડાની સાથે વરસાદ પણ થવાની સંભાવના છે. ગુજરાતમાં આ આફતની આગાહી વચ્ચે વહીવટી પ્રશાસન સચેત થયુ છે. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલમાં ચિંતાની કોઈ પરિસ્થિતિ નથી. સંભવિત વાવાઝોડુ કચ્છમાં ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પ્રશાસને કચ્છ જિલ્લામાં કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ સતર્ક બની છે અને દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટને પરત ફરવા માટે કહેવામાં આવ્યુ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ૧૫ મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય થવાની સંભાવના છે. આગામી ત્રણ-ચાર દિવસ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકિનારાના વિસ્તારોમાં વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે. તટરક્ષક દળના જવાનોએ દરિયામાં માછીમારી કરતા લોકોને સુરક્ષિત દરિયાકિનારે પહોંચવા જણાવ્યુ છે. ખાસ કરીને કચ્છમાં કંડલા અને મુંદ્રા તેમજ નલિયાના જખૌ બંદરે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
શુક્રવારે સવારે દક્ષિણ-પૂર્વ અરબ સાગર પર ઓછા દબાણવાળુ વાતાવરણ બની શકે છે. જેના કારણે લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમી ભાગમાં રવિવારે ચક્રવાત તોફાનની સંભાવના વ્યક્ત કરી હતી. સાથે જ મંગળવારે પૂર્વ મધ્ય અરબ સાગર પર વાવાઝોડાની શક્યતા દર્શાવી હતી. હાલમાં આવનાર વાવાઝોડા ‘તૌકતે’નો અર્થ વધારે અવાજ કરનારુ એવો થાય છે. આ નામ મ્યાનમારે આપેલુ છે.