૧૫ ઓગસ્ટે મેડલ મેળવનારા PI ૧ લાખના તોડમાં ફસાયા
મેરઠ, એક કુખ્યાત ગેંગસ્ટરને એન્કાઉન્ટરમાં ઠાર કરનારા પોલીસ ઈન્સ્પેક્ટરને હાલના દિવસોમાં અંડરગ્રાઉન્ડ થઈ જવાનો વારો આવ્યો છે. નવાઈની વાત એ છે કે હજુ ૧૫મી ઓગસ્ટે જ આ પરાક્રમી ઈન્સ્પેક્ટરને મેડલથી નવાજવામાં આવ્યા હતા. જાેકે, મેડલ મળ્યાના પંદર જ દિવસમાં આ પીઆઈ વિરુદ્ધ એક લાખ રુપિયાનો કથિત તોડ કર્યો હોવાની તેમના જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ હાલ તેઓ નાસતા ફરી રહ્યા છે.
ચોરીનો ટ્રક ખરીદવાના આરોપમાં પકડાયેલા એક ભંગારના વેપારીની સામે કાયદાકીય કાર્યવાહી ના કરવા બદલ તેની પાસેથી ઈન્સ્પેક્ટર વિરેન્દ્રપાલસિંહ રાણાએ કથિત રીતે એક લાખ રુપિયા પડાવ્યા હતા. મેરઠ જિલ્લાના સદર પોલીસ સ્ટેશનમાં એસએચઓ તરીકે ફરજ બજાવતા ઈન્સ્પેક્ટર રાણા હાલ લાંચ લેવાના કેસમાં વોન્ટેડ છે.
જિલ્લા એસપી વિનિત ભટનાગરના જણાવ્યા અનુસાર તેમનો હાલ કોઈ પત્તો નથી. તેમની સાથે એક હેડકોન્સ્ટેબલ મનમોહન સિંઘ વિરુદ્ધ પણ લાંચ લેવાનો કેસ કરવામાં આવ્યો છે. કોન્સ્ટેબલને તો ૫૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપવામાં આવ્યો હતો.
વોન્ટેડ ઈન્સ્પેક્ટર રાણાએ હજુ તો થોડા દિવસ પહેલા જ પોતાના પોલીસ સ્ટેશનને ભ્રષ્ટાચાર મુક્ત જાહેર કર્યું હતું. તેમણે બહાર એક બોર્ડ પણ મૂકાવ્યું હતું, જેમાં કોઈપણ કામ માટે લાંચ માગવામાં આવે તો તેની જાણ કરવા માટે જણાવ્યું હતું.
જાેકે, સૂફિયાણી વાતો કરતા ઈન્સપેક્ટર પોતે જ તોજબાજી કરી રહ્યા હોવાનો જિલ્લા પોલીસ વડાને શક પડ્યો હતો. ટ્રક ચોરીની એક એફઆઈઆરમાં કેટલાક મહત્વના મુદ્દા ગાયબ હોવાથી તેની તપાસ આઈપીએસ કક્ષાના એક અધિકારીને સોંપવામાં આવી હતી.
તપાસમાં બહાર આવ્યું હતું કે, ઈન્સ્પેક્ટર રાણા અને તેમનો કોન્સ્ટેબલ ભંગારના એક વેપારીને હેરાન કરી રહ્યા હતા. પોલીસે આ વેપારીનો સંપર્ક કરી તેની સાથે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે રાણા અને તેમનો કોન્સ્ટેબલ તેમની પાસેથી પૈસાની ડિમાન્ડ કરી રહ્યા છે.
બંનેને રંગેહાથ પકડવા માટે સિનિયર અધિકારીઓ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં કોન્સ્ટેબલ ૫૦ હજાર રુપિયા લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જ્યારે પોતાના સુધી પણ રેલો આવતો જાેઈ ઈન્સ્પેક્ટર રાણા રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં દિલ્હીના લાજપથનગરમાં આઠ કરોડ રુપિયાની સનસનીખેજ લૂંટ કરનારા શિવ શક્તિ નાયડૂ નામના એક કુખ્યાત શખસનું ગયા વર્ષે યુપી પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. આ એન્કાઉન્ટર કરનારી ટીમમાં ઈન્સપેક્ટર રાણા પણ સામેલ હતા. જેના બદલ તેમને ૧૫મી ઓગસ્ટે મેડલ આપીને નવાજવામાં આવ્યા હતા. જાેકે, મેડલ મળ્યાના ૧૫ દિવસમાં જ ઈન્સ્પેક્ટર રાણા હીરોમાંથી વિલન બની ગયા છે, અને તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે.SSS