૧૫ ઓગસ્ટ પછી દેશભરની શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવામાં આવશે
નવીદિલ્હી: કોરોના સંકટથી ગ્રસ્ત ભારત હવે લોકડાઉનથી અનલોક થવાનાં તબક્કામાં આવી ગયું છે, લોકડાઉનનાં પાંચમા તબક્કામાં કેન્દ્રએ ત્રણ તબક્કામાં રાહત આપવાની જાહેરાત કરી છે. પરંતુ હજી પણ બાળકો અને વાલીઓમાં સૌથી મોટો સવાલ એ છે કે શાળાઓ અને કોલેજો ક્યારે ખુલશે? જે સવાલ પર માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરીયલ ‘નિશંક’ એ જવાબ આપતા જાહેરાત કરી હતી કે, ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦ બાદથી દેશભરની તમામ શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવામાં આવશે. દેશમાં કોરોના સંકટ વચ્ચે સ્કૂલ-કોલેજો ખોલવી કે નહી તે એક મોટો સવાલ છે.
ત્યારે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ નિશંક પોખરીયાલે કહ્યું છે કે, શાળાઓ અંગે બાળકો, શિક્ષકો અને વાલીઓની ચિંતાને ઓછી કરતા ઓગસ્ટ ૨૦૨૦ પછી શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આ સંબંધમાં દિલ્હીનાં નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ એચઆરડી મંત્રી ડો.રમેશ પોખરીયલ નિશંકને શાળા ફરી ખોલવાની યોજના અંગે પત્ર લખ્યો હતો. તો આ કડીમાં તેમણે ગઈકાલે ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે તેમના પત્રમાં લખ્યું છે,
સમય આવી ગયો છે કે કોરોનાનાં સહઅસ્તિત્વનો સ્વીકાર કરતા દેશમાં સ્કૂલોની ભૂમિકા નવી રીતે નક્કી કરવામાં આવે.” તેમણે વધુમાં કહ્યું, જો શાળાઓએ સાહસિક ભૂમિકા માટે તૈયાર નહી કરવામાં આવે તો આ આપણી ઐતિહાસિક ભૂલ હશે, સ્કૂલોની ભૂમિકા પાઠયપુસ્તકો સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ બાળકોને જવાબદાર જીવન જીવવા માટે તૈયાર કરવાની રહેશે. નોંધપાત્ર વાત એ છે કે કોરોના વાયરસનાં કારણે, માર્ચથી દેશભરની શાળાઓ બંધ છે. આવી સ્થિતિમાં શાળા-કોલેજો બંધ રાખતા ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.