૧૫ વર્ષની સગીરાનો ૬૦ હજારમાં સોદો કરનારા જબ્બે
ડભોઈ, યાત્રાધામ ચાંદોદમાં સમાજની આંખ ઉઘાડનારો અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. રૂપિયાની લાલચે ૧૫ વર્ષની સગીરાનો ૬૦ હજારમાં સોદો કરી યુવક સાથે ફૂલહાર કરાવનાર ભેજાબાજ ત્રિપુટી સહિત સગીરા સાથે ફુલહાર કરનાર જમાઈને ઝડપી પાડી ચાંદોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રીતિ રમેશ માછી (નામ બદલ્યું છે) ના માતાપિતાનું અવસાન થયા બાદ તે ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદના ખંડેરાવ ફળિયામાં પાલક દાદાને ત્યાં રહેતી હતી. ૧૫ વર્ષની નિરાધાર સગીરાનો ત્રવાડી ટેકરા વિસ્તારમાં રહેતી ચકુબેન રમેશભાઈ માછી સાથે ઘર જેવો વ્યવહાર હતો. સગીરા અવારનવાર તેમના ઘરે આવતીજતી હતી.
જેથી તેમની વચ્ચે માતાપુત્રીનો સંબંધ કેળવાયો હતો. પરંતુ પ્રીતિ વિશે ચકુના મનમાં કંઈક અલગ જ તૂક્કો અને રમત ચાલી રહી હતી. રાતોરાત પૈસાદાર થવાની લાલચમાં આંધળી બની ચૂકેલી ચકુએ ચાંદોદના માધવાનંદ આશ્રમના ગેટ સામે રહેતી રેશમા જાનુદિન પઠાણ તેમજ સિસોદરા તા. નાંદોદ જી નર્મદા ખાતે રહેતા રેશમાના મામા હિદાયતભાઈ મહેબૂબભાઈ સોલંકી સાથે મળીને પુત્રી સમાન પ્રીતિનો સોદો કર્યો હતો. ચકુબેને રૂપિયા રળી લેવાનો કારસો રચ્યો હતો.
આ ત્રિપુટીએ સગીર પ્રીતિને વાતોના માયાજાળમાં ફસાવી-પટાવી ફોસલાવી સારા યુવક સાથે લગ્ન કરાવી આપવાની લાલચ બતાવીહતી. સિસોદરા ગામના અલ્પેશ રમેશભાઈ વસાવા સાથે ૬૦ હજારમાં સોદો કરી તેની સાથે ૯ માર્ચના રોજ પ્રીતિના ફૂલહાર કરાવી દીધા હતા.