૧૬ કરોડના ખર્ચે બનેલ નંદેલાવથી પાલેજ રોડનું લોકાર્પણ

૭.૪૯ કરોડના વિવિધ ગામોને જાેડતા અન્ય ચાર માર્ગોના ખાતમુહૂર્ત કર્યા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ થી પાલેજનો મુખ્યમાર્ગ રૂપિયા ૧૬ કરોડના ખર્ચે તથા કરગટથી સિતપોણ ગામને જાેડતો રોડ રૂપિયા ૭૨ લાખના ખર્ચે તૈયાર થતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ટંકારીયા ખાતે લોકાર્પણ કરાયા હતા.
આ ઉપરાંત અન્ય ચાર ગામોને જાેડતા માર્ગો, કહાંન ગામ ખાતે સ્મશાનને જાેડતો માર્ગ તથા પારખેત ખાતે નલ સે જલ યોજના હેઠળ પાણીની ઓવરહેડ ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું હતું.
ભરૂચથી પાલેજનો રોડ બિસ્માર બની જતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની રજૂઆતના પગલે સરકારે રૂપિયા ૧૬ કરોડના ખર્ચે મંજુર કરતા નવા રોડનું નિર્માણ થયું છે.સાથે કરગટથી સિતપોણનો માર્ગ પણ રૂપિયા ૭૨ કરોડના ખર્ચે બનતા ટંકારીયા ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા માર્ગોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે ટંકારીયા ખાતે પહોંચતા ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કરી ઘોડા પર બેસાડી રેલી સ્વરૂપે કાર્યક્રમના સ્થળ સુધી લાવ્યા હતા. જ્યાં ધારાસભ્યએ બન્ને માર્ગોના લોકાર્પણ કર્યા હતા.
સાથે ટંકારીયાથી ઘોડી, કિસનાડ થી ઘોડી, હિંગલ્લા -સિતપોણ-ટંકારીયા, પાલેજ-કિસનાડ-ઠીકરીયા તથા કહાંન ગામ ખાતે જિલ્લા પંચાયતના સભ્ય મલંગખાન પઠાણની ગ્રાન્ટમાંથી સ્મશાનને જાેડતો રોડ મંજુર કરાતા તેના ખાતમુહૂર્ત પણ ધારાસભ્ય અરુણસિંહ રણાએ કર્યા હતા.
તો પારખેત ખાતે નલ સે જલ યોજના હેઠળ ઓવરહેડ ટાંકી અને સમ્પ મંજુર થતા તેનું પણ ખાત મુહૂર્ત કરાયું હતું. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ જમાવ્યું હતું કે કોઈપણ પ્રકારના જાતિ કે ધર્મના ભેદ વગર ભાજપ સરકાર વિકાસના કામો કરતી હોવાનું જણાવ્યું હતું.
તેમણે વધુમા કહ્યું હતું કે તેઓ વાગરા વિધાનસભા ક્ષેત્રમાં રસ્તા અને પાણીની સુવિધા ઉભી કરવા કટિબદ્ધ છે.આ પ્રસંગે ટંકારીયા,પાલેજ,કહાંન,પારખેત સહિતના ગામોના સરપંચ, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.