૧૬ રાજ્યોમાં કોરોનાના કેસની ગતિ વધી, રિકવરી રેટ ૯૦ ટકા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/corona-1.jpg)
નવી દિલ્હી: દેશમાં કોરોનાની વધતી ગતિએ ફરી એકવાર બધાને મુશ્કેલીમાં મૂકી દીધા છે. માત્ર મહારાષ્ટ્ર જ નહીં, દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. એક જ દિવસમાં દોઢ લાખથી વધુ કેસ સામે આવવા લાગ્યા છે. આ ઉપરાંત દેશના ૧૬ રાજ્યોમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને કારણે છેલ્લા ૧૦ દિવસમાં ૬ રાજ્યો આ યાદીમાં જાેડાયા છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, છેલ્લા કેટલાય સપ્તાહથી સુધારો દર્શાવતા કોરોનાથી સાજા થતાં દર્દીઓના રિકવરી રેટમાં પણ ઘટાડો થયો છે.
આંકડા પર નજર કરીએ તો અગાઉ રિકવરી રેટ જે ૯૮ ટકા હતો તે હવે નીચે ૯૦ પર આવી ગયો છે. મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી, કર્ણાટક, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, તામિલનાડુ, કેરળ, પંજાબ, તેલંગાણા, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ એવા રાજ્યો છે જ્યાં કોરોના કેસ ઝડપથી વધી ગયા છે. કોરોનાની ગતિ ઝડપથી વધી છે તે આ ૧૬ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં કેસ આવી રહ્યા છે. કોરોનાના જે એક્ટિવ કેસ છે તેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કેરળ, કર્ણાટકમાં ૭૦ ટકા છે. તેમાંથી ૪૮ ટકા કેસ એકલા મહારાષ્ટ્રના છે.
આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે, કોવિડ -૧૯ના કુલ કેસોમાંથી ૭૦.૮૨ ટકા સક્રિય કેસ પાંચ રાજ્યોના છે. જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને કેરળ શામેલ છે. દેશમાં રોગચાળો શરૂ થયા પછી પહેલીવાર એક્ટિવ કેસોની સંખ્યા ૧૧ લાખને વટાવી ગઈ છે.
કોરોનાની આ બીજી લહેર વધુ ચેપી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે આપણે વધુ સાવચેતી રાખવાની જરૂર છે. કોરોનાની બીજી લહેર વધુ ચેપી લાગે છે. લોકો વેક્સીન લગડાવે અને કોરોનાના નિયમોનું પાલન કરે તે ખાસ જરૂરી છે.
કોરોનાની ગતિ ઝડપથી વધી છે તો કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં આને કારણે મૃત્યુઆંકની સંખ્યામાં પણ વધારો થયો છે. મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢ ત્રણ રાજ્યો છે જ્યાં કોરોનાથી સૌથી વધુ મોત થયા છે. સ્થિતિની સમીક્ષા કરવા માટે સરકાર દ્વારા આ રાજ્યોમાં કેન્દ્રની ટીમો પણ મોકલવામાં આવી હતી.
આ ટીમે કેટલીક સમસ્યાઓ ઓળખી કાઢી હતી, જેમાં મહારાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ઓક્સિજન સપ્લાયની સમસ્યા જાેવા મળી હતી. બે જિલ્લામાં વેન્ટિલેટર નહોતા. ઉપરાંત પંજાબના બે જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે કોઈ હોસ્પિટલ નહોતું. પંજાબના ત્રણ જિલ્લામાં કર્મચારીઓની અછત છે. એક જિલ્લામાં તો આરટી-પીસીઆર લેબ નથી. જ્યારે છત્તીસગઢના ત્રણ જિલ્લામાં પણ આરટી-પીસીઆર લેબ અને ચાર જિલ્લામાં બેડની અછત જાેવા મળી.
ભારતમાં કોવિડ -૧૯ના એક દિવસમાં નોંધાયેલા ૧,૫૨,૮૭૯ નવા કેસ સાથે કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને ૧,૩૩,૫૮,૮૦૫ થઈ છે. જ્યારે દેશમાં રોગચાળાની સારવાર કરાવતા લોકોની સંખ્યા રોગચાળો શરૂ થયા પછી પહેલીવાર ૧૧ લાખને વટાવી ગઈ છે. કેન્દ્રએ જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે એક જ દિવસમાં ૮૩૯ લોકોના મોતને કારણે મૃતકોની સંખ્યા વધીને ૧,૬૯,૨૭૫ થઈ ગઈ છે. દેશમાં ૧૮ ઓક્ટોબર ૨૦૨૦ પછી આ રોગથી એક જ દિવસમાં મૃત્યુ પામનારા લોકોની આ સંખ્યા સૌથી વધુ છે.