૧૬ રાજ્યોમાં ૧૦ કલાક પાવર કાપ: દેશમાં કોલસાનું સંકટ
કોલસા માટે માલગાડીઓ દોડાવવા ૬૭૦ પેસેન્જર્સ ટ્રેન રદ કરાઈ
નવી દિલ્હી, કાળઝાળ ગરમીના કારણે દેશભરમાં વીજળીની માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં દેશના ચોથા ભાગના પાવર પ્લાન્ટ બંધ છે. પરિણામે ૧૬ રાજ્યોમાં ૧૦ કલાક સુધી પાવર કાપ મુકાયો છે. સરકારી રેકોર્ડ મુજબ, દેશભરમાં ૧૦ હજાર મેગાવોટ એટલે કે ૧૫ કરોડ યુનિટનો કાપ થઈ રહ્યો છે, પરંતુ વાસ્તવમાં વીજળીની અછત ઘણી વધારે છે.
આ દરમિયાન રેલવે મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. રેલવેએ પાવર પ્લાન્ટ્સને કોલસાના ઝડપી સપ્લાય માટે ૨૪ મે સુધી ઘણી પેસેન્જર ટ્રેનોને રદ્દ કરી દીધી છે. જેથી કોલસા વહન કરતી માલગાડીઓ નિર્ધારિત સ્ટેશનો પર સમયસર પહોંચી શકે. હંગામી રીતે રદ કરાયેલી ટ્રેનોમાં લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ૫૦૦ ટ્રેનોનો સમાવેશ થાય છે.
આ સાથે રેલવે દ્વારા કોલસાના રેકનું એવરેજ દૈનિક લોડિંગ પણ ૪૦૦થી વધારે કરાયું છે. આ આંકડો છેલ્લા ૫ વર્ષમાં સૌથી વધુ છે. કોલસાની વર્તમાન માંગને પહોંચી વળવા રેલવે દરરોજ ૪૧૫ કોલસાના રેકનું પરિવહન કરી રહી છે. જેથી કોલસાની વર્તમાન માંગને પુરી કરી શકાય. આ કોલસાના દરેક રેકમાં ૩૫૦૦ ટન કોલસો હોય છે.
જ્યારે, પાવર કટની અસર હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ દેખાવા લાગી છે. કોલસાની અછતના ભારે સંકટ વચ્ચે દિલ્હી સરકારે મેટ્રો અને હોસ્પિટલ સહિત અનેક આવશ્યક સંસ્થાઓને ૨૪ કલાક વીજળી પૂરી પાડવાની અસમર્થતા વ્યક્ત કરી છે. દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
સાથે જ કેન્દ્રને પત્ર લખીને રાષ્ટ્રીય રાજધાનીને વીજળી સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્સને પૂરતા કોલસાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. જૈને કહ્યું કે દાદરી-૨ અને ઉંચાહર પાવર સ્ટેશનનો વીજ પુરવઠો ખોરવાઈ શકે છે. હાલમાં દિલ્હીમાં ૨૫-૩૦% વીજળીની માંગ આ પાવર સ્ટેશનોમાંથી પૂર્ણ થઈ રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી આ સ્ટેશનોમાં કોલસાની અછત છે. આ કિસ્સામાં, સમસ્યા કોઈપણ સમયે ઘેરી બની શકે છે. બીજી તરફ એકલા યુપીમાં ૩ હજાર મેગાવોટથી વધુની અછત છે. ૨૩ હજાર મેગાવોટ વીજળીની માંગ છે, જ્યારે પુરવઠો ૨૦ હજાર મેગાવોટ છે. પાવર કાપનું મુખ્ય કારણ દેશના ચોથા ભાગનાં પાવર પ્લાન્ટ બંધ છે.
આમાંથી ૫૦% પ્લાન્ટ કોલસાની અછતને કારણે બંધ છે. ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશના ૧૮ પીટહેટ પ્લાન્ટ્સ એટલે કે કોલસાની ખાણોના સ્થળ પર આવેલા એવા પાવર સ્ટેશનોમાં નિર્ધારિત ધોરણનો ૭૮% કોલસો છે. જ્યારે દૂરનાં ૧૪૭ પાવર સ્ટેશનો (નોન-પીટહેટ પ્લાન્ટ)માં ક્ષમતાનાં સરેરાશ ૨૫% કોલસો ઉપલબ્ધ છે.
જાે આ પાવર સ્ટેશનો પાસે કોલસાનો સ્ટોક સેટ સ્ટાન્ડર્ડ મુજબ ૧૦૦% હોય, તો પીટહેટ પ્લાન્ટ ૧૭ દિવસ અને નોન-પીટહેટ પ્લાન્ટ ૨૬ દિવસ સુધી ચાલી શકે છે. દેશના કુલ ૧૭૩ પાવર પ્લાન્ટ્સમાંથી ૧૦૬ પ્લાન્ટ્સમાં શૂન્યથી લઈને ૨૫% વચ્ચેનો કોલસો છે. પંજાબમાં વીજળીનું સંકટ વધી ગયું છે.
લગભગ ૪૬ ડિગ્રી તાપમાન હોવા છતાં ૧૨ કલાક સુધી કાપ જાેવા મળી રહ્યો છે. વીજ કટોકટી ગંભીર બનવાની શક્યતા હોવાથી સરકારે બધું ધ્યાન વધુમાં વધુ કોલસાના વહન પર લગાવ્યું છે. તેના કારણે રેલવેની પ્રાથમિકતા બદલાશે અને પેસેન્જર ટ્રેનના બદલે માલગાડીઓ દોડાવવા પર ધ્યાન દેવાશે. રેલવેએ કોલસો ભરેલી માલગાડીઓ દોડાવી શકાય તે માટે ૬૭૦ પેસેન્જર ટ્રેનો રદ કરવાનો ર્નિણય લીધો છે.
હાલમાં વીજળીની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે તેનું ઉત્પાદન વધારવા માટે કોલસાની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવી પડશે. છેલ્લા બે સપ્તાહમાં ૧૬ મેલ અથવા એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરી છે. રેલવેએ જણાવ્યું કે ૨૪ મે સુધીમાં પેસેન્જર ટ્રેનોની ૬૭૦ ટ્રિપ રદ કરવામાં આવશે. તેમાંથી ૫૦૦ ટ્રિપ લાંબા અંતરની મેઈલ અને એક્સપ્રેસ ટ્રેન્સ માટે છે.
સૂત્રોએ જણાવ્યું કે કોલસાની હેરાફેરી માટે રેલવેએ રોજની ૪૧૫ રેક ફાળવવા ર્નિણય લીધો છે જેમાં દરેકમાં ૩૦૦૦ ટન કોલસો વહન કરી શકાશે જેથી હાલની માંગને પહોંચી શકાય. તેમણે જણાવ્યું કે આ રીતે ઓછામાં ઓછા બે મહિના સુધી કામ કરવામાં આવશે
જેથી પાવર પ્લાન્ટ ખાતે સ્ટોક વધારી શકાય અને જુલાઈ-ઓગસ્ટમાં વીજ કટોકટી ટાળી શકાય. સામાન્ય રીતે આ બે મહિનામાં વરસાદના કારણે માઇનિંગ કામગીરી અટકી જાય છે. પેસેન્જર ટ્રેનો રદ કરવાના કારણે લોકોમાં નારાજગી છે અને કેટલાક રાજ્યોમાં તેનો વિરોધ કરવામાં આવ્યો છે.