Western Times News

Gujarati News

૧૬ વર્ષ પહેલાં ૧૫ હજારની લાંચ લેતાં ઝડપાયેલા PSIને ૩ વર્ષની કેદની સજા

રૂપિયા ૭૫ હજારનો દંડ પણ ફટકાર્યાે

અમુક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને લીધે લોકોનો પોલીસ ખાતા ઉપરથી વિશ્વાસ ઓછો થતો જાય છેઃ કોર્ટ

અમદાવાદ,
પાંચકૂવા પોલીસ ચોકીમાં ૧૬ વર્ષ પહેલાં ૧૫ હજારની લાંચ લેનાર પીએસઆઇને સ્પે. એસીબી કોર્ટે ત્રણ વર્ષની કેદ અને ૭૫ હજારનો દંડ ફટકાર્યાે છે. સ્પે. જજ ભાવેશ કે. અવાશિયાએ હુકમની નકલ ગાંધીનગર ગૃહ સચિવ, રાજ્યના પોલીસ વડા અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, અમદાવાદ રેલવેને મોકલી આપવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે નોંધ્યુ હતુ કે, ભ્રષ્ટાચારના ગુના બહુજન સમાજને અસર પહોંચાડનારા હોય છે. પ્રસ્તુત કેસમાં આરોપી પોલીસ કર્મચારી છે.

સમાજમાં કાયદાનું પાલન કરવાની તેમની ફરજ છે પરંતુ કાયદાના રક્ષક વ્યક્તિ જ્યારે ભોગ બનનાર વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓની પ્રમાણિક, સંનિષ્ઠ તપાસ નહીં કરીને ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારીને અરજીઓને રફેદફે કરવાની માનસિકતા ધરાવતા હતા. આવી માનસિકતાની અસર બહુજન સમાજને અસર કરનારી છે. કોર્ટાેએ લાંચના કેસોમાં સજા કરતી વખતે ભ્રષ્ટાચારના ગુનાઓની સમાજ અને દેશ ઉપર શું અસર પડે છે તે તમામ પાસાઓ જોઈ તપાસીને સજાનું પ્રમાણ નક્કી કરવુ જોઈએ. અમુક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને લીધે લોકોનો પોલીસ ખાતા ઉપરથી વિશ્વાસ ઓછો થતો જાય છે.

પોલીસ ખાતાની સમાજમાં છબી ખરડાઇ રહી છે. જે પરિસ્થિતિ આપણા જેવા સદાય કાયદાને વરેલા સમાજ માટે ખૂબ જ નિરાશાજનક અને ખતરનાક બની રહે છે. જેથી આવી સ્થિતિ સુધારવા માટે કોર્ટાેએ આ પ્રકારના ગુનામાં કડક વલણ દાખવીને વધુમાં વધુ સજા કરવી જરૂરી છે.કાલુપુર પોલીસ મથકની હદમાં પાંચકૂવા પોલીસ ચોકીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા રાવજી લલ્લુભાઈ ડાભીએ કાપડાંના નાણાં બાબતે થયેલી અરજી સંદર્ભે રૂ.૧૫ હજારની લાંચની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદીએ લાંચરૂશ્વત વિરોધી દળમાં જાણ કરતા ૧ જૂન, ૨૦૦૯ના રોજ ગોઠવવામાં આવેલા છટકામાં પીએસઆઈ રાવજી લલ્લુભાઈ ડાભી રૂ.૧૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એસીબીએ આરોપી પીએસઆઈ સામે પુરાવા એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યુ હતું.

આ કેસ ચાલતા સરકારી વકીલ સી.આર. ખત્રીએ પાંચ સાક્ષી અને ૧૫ દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપીએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચર્યાે હોવાનું પુરવાર થયુ છે. આપણા દેશમાં લાંચના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે. આરોપી સામે આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે સમાજમાં દાખલો બેસાડવા માટે વધુમાં વધુ સજા કરવી જોઈએ. કોર્ટે આરોપી પીએસઆઈને ગુનેગાર ઠરાવીને ત્રણ વર્ષની કેદ અને કુલ રૂ.૭૫ હજારનો દંડ ફટકાર્યાે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.