Western Times News

Gujarati News

૧૬-૧૭ તારીખે કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે

પ્રતિકાત્મક

અમદાવાદ, હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે, જેમાં સુરતમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે. આ સાથે આગામી દિવસોમાં રાજ્યમાં ઠેક-ઠેકાણે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. બે દિવસ છોડીને રાજ્યમાં વરસાદની સિસ્ટમ એક્ટિવ થવાથી સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં અમદાવાદમાં પણ સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના અરવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને સાબરકાંઠામાં સોમવારે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી, સિઝનની શરુઆત સાથે જ અહીં સારો વરસાદ થતા ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. થંડર સ્ટ્રોમ એક્ટિવિટી દરમિયાન હવામાનમાં અચાનક પલ્ટો આવતો હોય છે, જે દરમિયાન વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થતો હોય છે. આ એક્ટિવિટી ૧૬-૧૭ તારીખે જાેવા મળશે અને તેની અસર અમદાવાદ પર પણ પડવાની છે. આવામાં તોફાની પવન સાથે ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે.

અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ મંગળવારે જણાવ્યું કે, રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો છે, કન્વેક્ટિવ એક્ટિવિટીના લીધે હાલ વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું પહોંચી ગયું છે. ચોમાસું હાલ સુરત પહોંચ્યું છે. રાજ્યના અન્ય ભાગોમાં પહોંચતા હજુ થોડો સમય લાગશે. હાલ જે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ રહ્યો છે તે કન્વેક્ટિવ એક્ટિવિટીનો ભાગ છે.

આ સાથે મોહંતીએ એમ પણ જણાવ્યું છે કે, રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. આગામી બે દિવસ વધારે વિસ્તારોમાં વરસાદ નહીં થાય પરંતુ થંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. ૧૬-૧૭ તારીખે સારો વરસાદ થશે.” વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. રાજ્યના કેટલાક ભાગોમાં ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વીજળીના કડાકા સાથે વરસાદ થવાની આગાહી છે.

અમદાવાદની સાથે ગાંધીનગર, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહિસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરુચ, નવસારી, સુરત અને વલસાડમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે.સોમવારે સવારે ૬થી રાતના ૮ વાગ્યા સુધીમાં જુદા જુદા વિસ્તારોમાં અડધાથી અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

જેમાં સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં ૨.૭૫ ઈંચ, ગાંધીનગરના માણસામાં ૨.૫૫ ઈંચ, સુરેન્દ્રનગરના ચોટિલામાં ૨.૨૮ ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં ૧.૯૦ ઈંચ, પાટણના સિદ્ધપુરમાં ૧.૮૮ ઈંચ, ખેડાના નડિયાદમાં ૧.૬૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ ધોળકામાં ૦.૩૫ ઈંચ વરસાદ થયો હતો. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર દરિયાકાંઠાના પટ્ટામાં વરસાદ નોંધાયો હતો.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.