૧૭મી ઓક્ટોબરે યોજાઈ શકે બીસીસીઆઈના મહત્વની બેઠક
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડની કારોબારીની બેઠક ૧૭મી ઓક્ટોબરે યોજાનારી છે. ઓનલાઇન યોજાનારી આ બેઠકમાં ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસ, ઇંગ્લેન્ડની ટીમનો ભારત પ્રવાસ થતા ભારતમાં યોજાનારી ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ અંગેની ચર્ચા થશે.
બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે અમારો પ્રયાસ એવો જ રહેશે કે ઇંગ્લેન્ડ સામેની સિરીઝ ભારતમાં જ યોજાય,
આ ઉપરાંત કોરોના વાયરસની મહામારીને કારણે પેદા થયેલા સંજોગો છતાં ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમાય. કોરોનાને કારણે ભારતમાં અત્યાર સુધીમાં ૭૦ લાખ લોકો પોઝિટિવ આવ્યા છે
એક લાખથી વધુના મોત થઈ ચૂક્યા છે. ઇંગ્લેન્ડની ટીમ ૨૦૨૧ના જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારતના પ્રવાસે આવનારી છે અને પાંચ ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ મેચની સીરીઝ રમનારી છે.
એવી પણ અટકળ થતી હતી કે ભારતમાં કોરોનાને કારણે આ સિરીઝનું આયોજન યુએઈમાં કરવાનું પણ બોર્ડ વિચારી રહ્યું છે.
જો ભારતમાં આયોજન થશે તો મુંબઈના ત્રણ મેદાનો વાનખેડે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડી વાય પાટિલ પર યોજી શકાય છે. આ ઉપરાંત અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ પણ એક વિકલ્પ છે.
અગાઉ ૧૯મી નવેમ્બરથી મુસ્તાક અલી ટી૨૦ ટુર્નામેન્ટના પ્રારંભની યોજના હતી પરંતુ હવે તે શક્ય લાગતું નથી.