૧૭ વર્ષના ફુટબોલ ખેલાડીએ ગળેફાંસો ખાઈ લેતા ચકચાર
સુરત: શહેરમાં એક આંચકારૂપ ઘટના સામે આવી છે. શહેરનાં મોટાવરાછામાં રહેતા ૧૭ વર્ષનાં ફૂટબોલ ખેલાડી સનીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ખેલ઼ાડીની દિલ્હીમાં મેચ હતી પરંતુ ત્યાં જવા માટે પરિવારે તેને ના પાડી દીધી હતી. જેના કારણે ગળેફાંસો ખાધાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ પરિવારજનો કહી રહ્યાં છે કે, થોડા દિવસથી સનીનો કસરત કરવાનો દોરડો તૂટી ગયો હતો જેથી તે દૂપટ્ટાથી કસરત કરતો હતો.
જેથી અકસ્માતને કારણે આવું બન્યું હોવું જાેઇએ. સની આવું પગલું ન ભરી શકે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરનાં મોટાવરાછામાં આવેલા સુદામા ચોક પાસે આવેલા પુલહિલ એપાર્ટમેન્ટમાં જમીન દલાલ કિશોરભાઈ ઢાંકેચા રહે છે. તેમનો ૧૭ વર્ષનો દીકરો સની એસપાયર સ્કુલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરી રહ્યો હતો. આ સાથે તે ફૂટબોલનો ખેલાડી પણ હતો. સનીની દિલ્હીમાં એક મેચ હતી. પરંતુ કોરોના મહામારીને કારણે આ માટે પરિવારે તેને ના પાડી હતી.
જે બાદ શનિવારે સાંજે સનીએ પંખા સાથે દુપટ્ટાથી ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જાેકે, પરિવાર આ માનવા તૈયાર નથી કે, મેચ રમવા જવાની ના પાડી તેથી તેણે આપઘાત જેવું અંતિમ પગલું ભરી લીધું છે. સની રોજ સાંજે ૭થી ૮ મોટી ટેપ વગાડીને કસરત કરતો હતો. તે સાંજે સની એક કલાક બાદ પણ બહાર ન આવ્યો એટલે માતા રૂમમાં જાેવા ગઇ ત્યારે સની પંખા પર લટકતો હતો. પોતાનો વ્હાલસોયો દીકરાનો આ રીતે કરૂણ અંત આવતા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
આ આપઘાતમાં બીજી તરફ એ પણ માનવામાં આવે છે કે, સનીની તકસરત કરવાની દોરી બે દિવસ પહેલા તૂટી ગઇ હતી જેથી તે દુપટ્ટાથી કસરત કરતો હતો. જેથી કસરત દરમિયાન દોરી ચાલુ પંખામાં ફસાઇ ગઇ હોય અને જેથી સનીને ગળેફાંસો થઇ ગયો હોય. આ કેસમાં હજી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો બાકી છે. આ આવ્યાં બાદ જ અંતિમ પગલાનું સાચું કારણ જાણી શકાશે.