૧૭ વર્ષની છોકરીનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Heart-1024x576.jpg)
સુરત, નવસારીમાં માર્ગ અકસ્માતે ૪૩ વર્ષીય અસ્તિકા પટેલનું જીવન છીનવી લીધું હતું, પરંતુ તેમના મૃત્યુ બાદ તેઓ સાત લોકોના જીવનમાં ઓજસ પાથરતા ગયા છે. મંગળવારે અસ્તિકા પટેલને બ્રેનડેડ જાહેર કરાયા બાદ પરિવારે તેમના ઓર્ગન ડોનેટ કરવાનો ર્નિણય લીધો હતો. આ સાથે ડાયમંડ સિટીએ ૩૯મું હૃદય અને ૧૩મી ફેફસાની જાેડીનું દાન કર્યું હતું.
નવસારીના ભીનાર ગામના રહેવાસી અસ્તિકા પટેલ રવિવારે પતિ સાથે બાઈક પર બેસીને નવસારી જઈ રહ્યા હતા ત્યારે નીચે પડી જતાં માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને નવસારીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને બાદમાં સુરત લવાયા હતા જ્યાં તેમને બ્રેનડેડ જાહેર કરાયા હતા.
મારો પરિવાર કંઈ પણ દાન કરવા માટે અસમર્થ છે, તેમ નવસારી BAPS મંદિરના ડ્રાઈવર તરીકે નોકરી કરતાં અસ્તિકા પટેલના પતિ જીગ્નેશ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, BAPSના મુખ્ય સંત મહંત સ્વામીની પ્રેરણાથી પરિવાર ઓછામાં ઓછું તેમની પત્નીના અંગોનું દાન કરી શકતો હતો કારણ કે તેઓ માને છે કે અંગદાન પણ પૂજા સમાન છે.
હૃદય અને ફેફસા હવાઈ માર્ગે અનુક્રમે અમદાવાદ તેમજ મુંબઈ મોકલવામાં આવ્યા હતા. લિવર અને કિડની અમદાવાદની IKDRCને રોડ માર્ગે મોકલવામાં આવી હતી, તેમ ડોનેટ લાઈફ નામની એનજીઓના ફાઉન્ડર નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું. મુંબઈની મસીના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીમાં ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.
જ્યારે અમદાવાદની CIMS હોસ્પિટલમાં ૧૭ વર્ષની છોકરીમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું, જેના હૃદયની સ્થિતિ કોવિડ-૧૯ના સંક્રમણ બાદ વધુ ખરાબ થઈ ગયું હતું. અસ્તિકા પટેલના કોર્નિયા દ્રષ્ટિ ચક્ષુ બેંકને ડોનેટ કરવામાં આવ્યા હતા. ડોનેટ લાઈફ અત્યાસુધીમાં દેશ અને સમગ્ર વિશ્વમાં ૪૧૪ કિડની, ૧૭૬ લિવર, ૮ સ્વાદુપિંડ, ૩૯ હૃદય, ૨૬ ફેફસાની જાેડી, ૩૧૮ કોર્નિયા સહિત કુલ ૯૮૧ ઓર્ગન ડોનેટ ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ બન્યું છે.SSS