૧૭ વર્ષ પહેલા લાંચ લેનાર અધિકારીને ચાર વર્ષની કેદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Four-years-1024x768.jpg)
Files Photo
વાપી: વર્ષેદહાડે એસીબીના છટકામાં લાંચ લેતા અનેક સરકારી બાબુઓ ઝડપાતા હોય છે. જાેકે, તેમાંથી સજા ભાગ્યે જ કોઈને થતી હોય છે. તેવામાં આજથી ૧૭ વર્ષ પહેલા ઘર પાછળની જગ્યાની શરતફેર કરવા માટે અરજદાર પાસેથી ૧૦ હજાર રુપિયા પડાવનારા વલસાડ ટાઉન પ્લાનિંગ કચેરીના અધિકારીને ચાર વર્ષની જેલ અને ૨૫ હજારના દંડની સજા ફટાકરાઈ છે. તેમના સાગરિતને પણ કોર્ટ દ્વારા ૩ વર્ષની જેલ અને ૨૫ હજારના દંડની સજા કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, વાપીની અનાવિલ સ્ટ્રીટમાં રહેતા જિતેન્દ્ર દેસાઈ પોતાના ઘરની પાછળની જમીન શરતફેર કરાવવા ઈચ્છતા હતા અને તેના માટે તેમણે વલસાડ કોર્ટમાં અરજી કરી હતી. જાેકે, ત્યાંથી કોઈ જવાબ ના આવતા આખરે જિતેન્દ્રભાઈએ વલસાડ ટાઉન પ્લાનિંગ કચેરીમાં લેખિત અરજી કરી હતી. તે વખતે ટાઉન પ્લાનિંગ અધિકારી કનુ પારેખે અરજદાર પાસેથી કામ કરી આપવા માટે ૧૫ હજાર રુપિયાનો વહીવટ કરવા જણાવ્યું હતું.
આખરે અરજદાર જિતેન્દ્ર દેસાઈ અને અધિકારી કનુ પારેખ વચ્ચે ૧૦ હજાર રુપિયામાં સોદો નક્કી થયો હતો. જાેકે, અરજદાર લાંચ આપવા ના ઈચ્છતા હોઈ તેમણે એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો હતો. જેના આધારે કનુ પારેખને રંગેહાથ ઝડપી લેવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. અધિકારીએ અરજદારને ૧૦ હજાર કેશ લઈને એક હોટેલમાં આવવાનું કહ્યું હતું. જ્યારે અરજદાર રુપિયા લઈ પહોંચ્યા તે વખતે કનુ પારેખ સાથે પિયુષ ઓઝા નામનો એક શખ્સ પણ હાજર હતો.
૨૬ ઓક્ટોબર ૨૦૦૪ના રોજ જિતેન્દ્ર દેસાઈ હોટેલમાં રુપિયા લઈને પહોંચ્યા હતા. તે વખતે કનુએ તેમને પિયુષને દસ હજાર રુપિયા સોંપી દેવા માટે કહ્યું હતું. તે વખતે સુરત એસીબીની ટીમ લાંચિયા કનુ પારેખ પર ત્રાટકી હતી, અને તેને રંગેહાથ ઝડપી લીધો હતો.
આ અંગેનો કેસ વાપીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ નવીન પ્રજાપતિની દલીલોને માન્ય રાખી જજ ધર્મેન્દ્ર સિંઘે કનુ પારેખને ૪ વર્ષની કેદ સાથે ૨૫ હજારનો દંડ ભરવા અને તેના સાગરિત પિયુષને ૩ વર્ષની જેલ સાથે ૨૫ હજારનો દંડ ભરી દેવા માટે આદેશ કર્યો હતો.