Western Times News

Gujarati News

૧૮થી વધુ વયના લોકોએ વેક્સિનની રાહ જાેવી પડશે

જૂન સુધી ઈંતેજારઃ સરકારે કોવિશિલ્ડના ૨.૫૦ કરોડ અને કોવેક્સિનના ૫૦ લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે

ગાંધીનગર: ગુજરાતમાં મે મહિનાના આરંભની સાથે ૧૮થી૪૪ વર્ષના લોકોને સાત મહાનગરો અને ત્રણ જિલ્લામાં મર્યાદિત સ્લોટમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે. આ રસી કેંદ્ર સરકાર પાસેથી મેળવીને રાજ્ય સરકાર ફ્રીમાં આપી રહી છે પરંતુ સમગ્ર રાજ્યમાં ૧૮થી૪૪ વર્ષના લોકોને રસી આપવાની કામગીરી માટે જૂન મહિના સુધી રાહ જાેવી પડે તેવી સ્થિતિ છે. ગુજરાત સરકારે કોવિશિલ્ડ રસીના ૨.૫૦ કરોડ ડોઝ તેમજ કોવેક્સિનના ૫૦ લાખ ડોઝનો ઓર્ડર આપી દીધો છે.

પરંતુ તે મુજબનો સપ્લાય મે મહિનામાં આવે તેવું સંભવ લાગતું નથી. એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં સૌથી વધુ સંક્રમિત અમદાવાદ સહિતના સાત મહાનગરો તેમજ ભરૂચ, મહેસાણા, કચ્છ જિલ્લામાં રજિસ્ટ્રેશનના આધારે સ્લોટ ફાળવીને મર્યાદિત સંખ્યામાં ૧૮થી૪૪ વર્ષના લોકોને રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે. જે અંતર્ગત મંગળવાર (૧૧ મે) સુધીમાં કુલ ૩,૫૩,૨૯૩ લોકોને રસી આપવામાં આવી છે.

સ્થાનિક અખબારને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રામણે, સીરમ ઈન્સ્ટીટ્યૂટને ૨.૫૦ કરોડ ડોઝ માટે ઓર્ડર આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. પરંતુ હાલ આ કંપની પાસે કેંદ્ર સરકાર ઉપરાંત અન્ય રાજ્યોના પણ ઓર્ડર છે. આ જ રીતે ભારત બાયોટેક નિર્મિત કોવેક્સિનના ૫૦ લાખ ડોઝનો ઓર્ડર અપાયો છે અને તેની ઉપલબ્ધતા પણ વિલંબમાં છે. એટલે હાલ કેંદ્ર સરકાર દ્વારા આઠ રાજ્યોને અપાતા ક્વોટામાં ગુજરાતને દર ચાર દિવસે મળતી વેક્સિનમાંથી ૧૦ મહાનગરો-જિલ્લામાં રસી અપાઈ રહી છે. આ પ્રક્રિયા મેના અંત સુધી ચાલુ રહેશે. એ દરમિયાન બંને કંપનીઓ પાસેથી જેમ-જેમ સ્ટોક મળતો જશે તેમ તેમ અન્ય જિલ્લાઓમાં રસીકરણની કામગીરી ગોઠવાશે.

દરમિયાન, કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે હાલમાં જ દેશના જુદા જુદા રાજ્યોમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા દરમિયાન હાલ રાજ્યો પાસે ઉપલબ્ધ રસીના સ્ટોકની વિગતો લેવાઈ હતી તેમજ બગાડ અટકાવવા પર ખાસ ભાર મૂકાયો હતો. હવે ૧૫થી ૩૧ મે માટે ૪૫ વર્ષથી ઉપરના લોકો માટે ચાલી રહેલા રસીકરણ માટે કેટલો સ્ટોક જાેઈશે તેનો અંદાજાે કેંદ્ર મોકલી આપવાનું જણાવાયું છે.

આ જરૂરિયાતના આધારે કેંદ્ર સરકાર દ્વારા ગુજરાતને મોકલી અપાશે. હાલ રાજ્ય પાસે ૮,૩૨,૩૯૮ ડોઝનો સ્ટોક છે. ત્રણ દિવસમાં નવો સ્ટોક આવશે. આ સ્ટોક ચારેક દિવસ ચાલે તેમ છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, હવે દરેક રાજ્યોએ ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યમાં સંક્રમણ વધારે ફેલાયું છે એ સ્થિતિમાં ૪૫ વર્ષથી ઉપરની ટાર્ગેટેડ પોપ્યુલેશનને મહત્તમ રસી અપાય તેના પર ધ્યાન કેંદ્રિત કરવાનું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.