૧૮મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ધો. ૬થી ૮ના વર્ગ શરૂ કરાશે
ગાંધીનગર: ધોરણ ૯થી ૧૨ના વર્ગો શરુ થયા બાદ હવે ગુજરાત સરકારે કોરોનાના કેસોમાં સતત થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખી ધોરણ ૬થી ૮ના વર્ગો શરુ કરવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા જણાવાયું છે કે, ૧૮મી ફેબ્રુઆરીથી પ્રાથમિક શાળાના ધોરણ ૬થી ૮ના વર્ગો શરુ થઈ જશે. શિક્ષણ સચિવ વિનોદ રાવના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઈન્સના ચૂસ્ત અમલ સાથે વધુ બે વર્ગો શરુ કરવામાં આવશે.
શિક્ષણ સચિવે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, કોઈપણ વિદ્યાર્થી માટે સ્કૂલમાં આવવું ફરજિયાત નથી. જાેકે, જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવવા માગતા હોય તેમને પોતાના વાલી તરફથી અપાયેલું સંમતિ પત્ર સ્કૂલમાં જમા કરાવવાનું રહેશે. સ્કૂલ ભલે ચાલુ થાય, પરંતુ તેની સાથે ઓનલાઈન ક્લાસ પણ ચાલુ જ રખાશે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસો ઘટતાં જાન્યુઆરી મહિનાથી જ રાજ્યની સ્કૂલો, કોલેજાે તેમજ આઈટીઆઈ ક્રમશઃ ખૂલી રહી છે. ૧૧ જાન્યુઆરીએ રાજ્યમાં ધોરણ ૧૦-૧૨ અને કોલેજના છેલ્લા વર્ષના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધોરણ ૯થી ૧૧ના ક્લાસ પણ ૧ ફેબ્રુઆરીથી શરુ કરાયા હતા. છેલ્લે સરકારે ૮ ફેબ્રુઆરીથી કોલેજના પહેલા વર્ષના ક્લાસ પણ શરુ કરી દેવાની જાહેરાત કરી હતી.
સરકારનો દાવો છે કે ધોરણ ૯થી ૧૨ના વર્ગો શરુ થયા ત્યારે શરુઆતમાં ૪૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ જ સ્કૂલે આવતાં હતાં, પરંતુ હવે આ સંખ્યા વધીને ૭૦-૭૨ ટકા જેટલી થઈ ગઈ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બાદ હવે પ્રાઈમરીના પણ છેલ્લા બે વર્ષના વર્ગો શરુ કરી દેવાયા છે
ત્યારે આગામી દિવસોમાં વધુ વર્ગો શરુ કરાશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.ગુજરાતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. દિવાળી બાદ આવેલા જાેરદાર ઉછાળા બાદ હવે કોરોનાના કેસોમાં દિનપ્રતિ દિન થઈ રહેલા ઘટાડાને કારણે સ્કૂલો-કોલેજાે ધમધમતી થવા લાગી છે.
આ વખતે બોર્ડની પરીક્ષા પણ મે મહિનામાં લેવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય બીજા વર્ગોની પણ પરીક્ષા થશે તેમજ આ વખતે કોઈને માસ પ્રમોશન નહીં અપાય તેવી પણ સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ગયા વર્ષે માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં જ સમગ્ર દેશભરમાં લોકડાઉન લાગુ થઈ જતાં સ્કૂલો પણ બંધ થઈ ગઈ હતી. સ્થિતિ ખૂબ જ ગંભીર બનતા ધોરણ ૧૦-૧૨ સિવાયના બધા વર્ગના છાત્રોને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું. સ્કૂલો ખૂલી ત્યારે પણ ઓનલાઈન એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાના પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવ્યા હતા.