૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં ૪૨-૪૪ કરોડ બાળકોના રસીકરણનું હવે મિશન

પ્રતિકાત્મક
કેન્દ્ર સરકારના અનુમાન અનુસાર, ભારતમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં ૪૨-૪૪ કરોડ બાળકો છે. આ તમામને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવે તો કુલ ૮૪-૮૮ કરોડ ડોઝની જરૂર પડશે
દેશમાં હવે કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે અને મહામારીનો પ્રકોપ ઘટતા જનજીવન પણ સામાન્ય બની રહ્યું છે. દેશની અર્થવ્યવસ્થા પણ અનેક આકરા ઝાટકા ખાધા બાદ ધીમે ધીમે બેઠી થઇ રહી છે.
કોરોના વેક્સિનેશન અભિયાન પણ અનેક નવા રેકોર્ડ બનાવી ચુક્યુ છે અને ભારતનું નામ વિશ્વના નકશામાં સોનેરી અક્ષરોએ લખાઇ ગયું છે. હવે બહુ જલદી બાળકોને પણ કોરોના વેક્સિન આપવાનું અભિયાન શરૂ થવાનું છે. કેન્દ્ર સરકારે અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાની ત્રણ ડોઝવાળી વેક્સિન ‘ઝાયકોવ-ડી’ના એક કરોડ ડોઝ ખરીદવાનો આદેશ આપી દીધો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝાયકોવ-ડી વેક્સિન શરૂઆતમાં પુખ્ત વયના લોકોને આપવામાં આવશે. ઝાયકોવ-ડી એ દેશમાં ઉત્પાદિત ત્રણ ડોઝની નિડલ ફ્રી એટલે કે સોય મુક્ત વેક્સિન છે. તે કોરોના સામે ડીએનએ આધારિત પ્રથમ વેક્સિન પણ છે. ઝાયકોવ-ડીના ત્રણ ડોઝને ૨૮ દિવસના અંતરાલમાં આપવામાં આવશે.
ઝાયકોવ-ડી નીડલ ફ્રી વેક્સિન છે, જે જેટ ઇન્જેક્ટરથી લાગશે. જેટ ઇન્જેક્ટરનો ઉપયોગ અમેરિકામાં સૌથી વધુ થાય છે. સામાન્ય રીતે જે નીડલ ઇન્જેક્શન યુઝ થાય છે, એનાથી ફ્લુઇડ કે દવા મસલ્સમાં જાય છે. જેટ ઇન્જેક્ટરમાં પ્રેશર માટે કમ્પ્રેસ્ડ ગેસ સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. આ ડિવાઇસનું સંશોધન ૧૯૬૦માં થયુ હતુ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ વર્ષ ૨૦૧૩માં તેના ઉપયોગની મંજૂરી આપી હતી.
આ ઉપરાંત કોવેક્સિન બનાવનારી ભારતીય કંપની ભારત બાયોટેક પણ બેથી ૧૮ વર્ષની વયના બાળકો માટે વેક્સિન બનાવી લીધી છે. આ વેક્સિનના તમામ પરીક્ષણો અને ટ્રાયલ પણ પૂર્ણ થઇ ચૂકી છે. આ દુનિયાની એકમાત્ર વેક્સિન છે, જે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ આપી શકશે.
ભારત બાયોટેક દ્વારા બાળકો પર બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ સપ્ટેમ્બરમાં જ પૂરી કરવામાં આવી હતી. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોવેક્સિન બાળકો પર પણ એટલી જ અસરકારક છે, જેટલી ઉંમરલાયક લોકો પર છે. કોવેક્સિનની તબક્કાવાર બેથી છ વર્ષ, છથી ૧૨ વર્ષ અને ૧૨થી ૧૮ વર્ષ સુધીના બાળકો પર અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવી હતી.
હાલના તબક્કે એવું માનવામાં આવી રહ્યું છે કે નવ માસના અંત અથવા તો ડિસેમ્બરમાં બાળકોનું વેક્સિનેશન શરૂ થઇ શકે છે. સરકાર ઇચ્છે છે કે કોમોર્બોડિટી ધરાવતા બાળકોને પહેલા વેક્સિનેટ કરવામાં આવે. જાેકે કઇ બીમારીઓને કઇ શ્રેણીમાં મૂકવામાં આવશે અને તેના માટે કયા દસ્તાવેજાેની જરૂર પડશે એ અંગે હાલ સઘન વિચારણા ચાલી રહી છે. એપ્રિલ મહિનામાં જ્યારે ભારતે ગંભીર બીમારીવાળા લોકોના વેક્સિનેશનની શરૂઆત કરી હતી ત્યારે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન કે મેડિકલ રિપોર્ટના આધારે વેક્સિન આપવામાં આવી હતી.
દેશમાં હવે શાળાઓ અને કોલેજાે ખૂલી ગયા છે અને મહામારી સામેની લડાઇમાં ધીમે ધીમે સફળતા પણ મળતી જાય છે. કેન્દ્ર સરકારના એક અનુમાન અનુસાર, ભારતમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૪૨-૪૪ કરોડ બાળકો છે. જાે આ તમામને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવે તો કુલ ૮૪-૮૮ કરોડ ડોઝની જરૂર પડશે. બાળકોનું વેક્સિનેશન શરૂ કરતા પહેલા સરકાર અને આરોગ્ય તંત્ર વેક્સિનના સ્ટોકની ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.
આરોગ્ય વિભાગના સૂત્રોનો દાવો છે કે, ડાયાબિટીસ, કિડનીની સમસ્યા કે હૃદયોરગથી પીડાતા બાળકોને વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ પ્રકારની બીમારીઓથી પીડાતા બાળકોને સંખ્યા આપણા દેશમાં ૬થી ૭ કરોડ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવા બાળકોમાં એકદમ સ્વસ્થ બાળકોની સરખામણીએ ગંભીર ઇન્ફેક્શન લાગવાનો ખતરો ત્રણથી સાત ગણો વધારો હોય છે.
આપણે હવે હર્ડ ઇમ્યુનિટી નજીક પહોંચી ગયા છીએ, પરંતુ કોરોના સંક્રમણ તથા મહામારી સામેના જંગમાં જીતવા માટે બાળકોનું વેક્સિનેશન કરવું અનિવાર્ય છે. ટૂંક સમયમાં જ્યારે બાળકોનું વેક્સિનેશન શરૂ થાય ત્યારે આપણે દેશના ભવિષ્યને વેક્સિન અપાવીને કોરોના મહામારી સામે સુરક્ષિત કરીએ એ બહુ જરૂરી છે.