૧૯૯૫માં રવીના ટંડને બે બાળકીઓને દત્તક લીધી હતી
મુંબઈ, એક્ટ્રેસ રવીના ટંડને ૯૦ના દશકામાં બે દીકરીઓ છાયા અને પૂજાને દત્તક લીધી હતી. એ વખતે રવીનાની ઉંમર ૨૧ વર્ષ હતી. દુનિયાથી છુપાવીને ચૂપચાપ બે દીકરીઓ દત્તક લેવાનું કારણ રવીનાએ જણાવ્યું છે. એક્ટ્રેસના કહેવા મુજબ, એ વખતે તેણે ચૂપચાપ દીકરીઓને દત્તક લીધી હતી કારણકે તેને ખબર નહોતી કે છાપામાં આ ખબર કેવી રીતે છપાશે, લોકોની પ્રતિક્રિયા કેવી હશે.
રવીનાને ભય હતો કે ક્યાંક તેના પર કુંવારી મા બનવાનો આરોપ ન લાગી જાય. ૪૬ વર્ષની વયે નાની બની ગયેલી રવીના ટંડને હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં ચૂપચાપ દીકરીઓને દત્તક લેવા અંગે ખુલીને વાત કરી હતી. રવીનાએ કહ્યું, “શરૂઆતમાં ટેબ્લોઈડિઝમ અને યલો જર્નાલિઝમનો યુગ હતો.
એ વખતે કટ્ટર લેખક હતા જે માત્ર ગંદકી ફેલાવતા હતા અને તેમની હેડલાઈન પણ ખરાબ હોતી હતી. એ વખતે કોઈ પણ વસ્તુને સ્કેન્ડલનું રૂપ આપી શકાતું હતું. મેં જ્યારે દીકરીઓ દત્તક લીધી ત્યારે આ અંગે સહેજ પણ વાત નહોતી કરી. જ્યાં સુધી તેઓ ૧૦મું ધોરણ પાસ ના થઈ ત્યાં સુધી મૌન રહેવાનું પસંદ કર્યું હતું.
બાદમાં તેઓ મારી સાથે શૂટ પર આવતી હતી. એ વખતે સૌએ પૂછવાનું શરૂ કર્યું હતું કે, આ છોકરીઓ કોણ છે? ત્યારે મેં તેમને જવાબ આપવાનું શરૂ કર્યું હતું. રવીનાએ આગળ કહ્યું, “એ વખતે અમે ડરેલા રહેતા હતા. એવું લાગતું કે કંઈ કહીશું ને પછી આ લોકો એનું શું બનાવીને છાપશે.
મેગેઝીનવાળા કહેશે કે સિક્રેટલી બાળક જન્મી ગયું છે. કોનું બાળક છે? એ વખતે તેમના મગજમાં ખૂબ ગંદકી ભરેલી હતી. આ પ્રકારની વાર્તાઓથી બચવા માટે જ મેં ચૂપચાપ દીકરીઓ દત્તક લીધી હતી. જણાવી દઈએ કે, રવીનાએ દત્તક લીધેલી દીકરીઓ છાયા અને પૂજાના લગ્ન થઈ ગયા છે અને તેમના પણ બાળકો છે. હાલમાં જ છાયાની મેરેજ એનિવર્સરી હતી ત્યારે રવીનાએ દીકરીના લગ્નની તસવીરો શેર કરીને તેને શુભકામના આપી હતી.SSS