૧૯-૨૦મી સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જોર વધશે
અમદાવાદ, ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદી વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જે બાદમાં એટલે કે આગામી ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરીથી વરસાદનું જાેર વધશે. આ બંને દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.
ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ ૭૨.૮૬ ટકા સરેરાશ વરસાદ વરસી ગયો છે. ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ૧૭ અને ૧૮ તારીખના રોજ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ૧૯ અને ૨૦ તારીખથી રાજ્યમાં ફરીથી વરસાદનું જાેર વધી શકે છે.
ગુજરાતમાં અત્યારસુધી પડેલા વરસાદની વિગત જાેઈએ તો સરેરાશ ૭૨.૮૬% વરસાદ પડ્યો છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છમાં અત્યારસુધી ૭૫.૦૨% સરેરાશ વરસાદ પડ્યો છે. વિસ્તારમાં કુલ ૩૩૧.૮૦ મી.મી. વરસાદ પડ્યો છે.
ઉત્તર ગુજરાતમાં ૪૦૬.૬૯ મી.મી. વરસાદ સાથે સરેરાશ ૫૬.૭૬% વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૯૯.૨૩ મી.મી. વરસાદ સાથે અત્યારસુધી સરેરાશ ૬૧.૯૨% વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ૬૦૨.૯૫ મી.મી. વરસાદ સાથે સરેરાશ ૮૬.૦૬% વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીં સિઝનનો કુલ ૬૦૨.૯૫ મી.મી. વરસાદ પડ્યો છે. જેની સરેરાશ ટકાવારી ૭૩.૪૧% થાય છે. આ રીતે ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ ૭૨.૮૬ ટકા સરેરાશ વરસાદ વરસી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ૩૭ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. ૧૧ તાલુકા એવા છે જ્યાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
જાંબુઘોડામાં ૮૬ મી.મી., ખંભાળિયામાં ૮૩ મી.મી., લુણાવડામાં ૭૨ મી.મી., વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે હાલ એસ.ટી.ના અમુક રૂટ પ્રભાવિત થયા છે. ૧૭મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યાની સ્થિતિએ ગુજરાતમાં હાલ ૩૦ રૂટ પર એસ.ટી. બસ સેવા બંધ છે. જામનગરમાં સૌથી વધારે ૧૬ રૂટ પર બસ સેવા બંધ છે.
રાજ્યના લોકો માટે આનંદના સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ રહી છે.
છેલ્લા ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં ૧૯ સે.મી.નો વધારો થયો છે. ઉપરવાસમાંથી ડેમમાં હાલ કુલ ૨૨,૭૯૭ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે હાલ ડેમની સપાટી ૧૨૧.૦૬ મીટર થઈ છે. ડેમ પોતાના રૂલ લેવલથી થોડો જ દૂર છે. સરદાર સરોવર ડેમનું રૂલ લેવલ ૧૨૧.૯૨ મીટર છે. હાલ ડેમ ૬૦% ભરાયેલો છે.SSS