Western Times News

Gujarati News

૧ ઓકટોબરથી તમામ પ્રકારના ઈલેકટ્રિક વાહનોને આજીવન વેરામાંથી મુક્તિ મળશે

ગણેશોત્સવ દરમિયાન લોકમાન્ય તિલક ટ્રોફીનું આયોજન, ૩૦ ઓક્સીજન પ્લાન્ટના મેઈન્ટેન્સ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યાઃ હિતેશભાઈ બારોટ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશોત્સવ દરમિયાન નાગરિકોને તમામ પ્રકારની સુવિધા આપવા તેમજ લોકમાન્ય તિલક ટ્રોફીના આયોજન કરવામાં આવશે. રેવન્યુ કમીટી દ્વારા મંજુર કરવામાં આવેલ રૂા.૧પ લાખ કે તેથી વધુ કિંમતના વાહનો પર આજીવન વેરા ના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

પરંતુ તેની સામે ૧ ઓકટોબરથી તમામ પ્રકારના ઈલેકટ્રીક વાહનોને ૧૦૦ ટકા વેરામુક્તિ આપવા શહેરના ર૪ જેટલા સ્મશાનગૃહોના ઓપરેશન- મેઈન્ટેનસના કોન્ટ્રાકટ આપવા તેમજ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ઓકસીજન પ્લાન્ટના મેઈન્ટેન્સના કામોને સ્ટેન્ડીંગ કમીટી દ્વારા મંજુરી આપવામાં આવી છે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ શહેરની વિવિધ હોસ્પિટલો કોમ્યુનીટી હેલ્થ સેન્ટરો ખાતે પ૦૦ અને રપ૦ એલ.પી.એચ. કેપેસીટીના પી.એલ.એ ઓકસીજન જનરેશન પ્લાન્ટની એલ.આઈ.ટી.સી તથા મેઈન્ટેન્સ માટે રૂા.૧૧.૮૦ કરોડના કામને મંજુરી આપવામાં આવી છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કુલ ૩૦ નંગ પી.એલ.એ ઓકસીજન પ્લાન્ટના મેઈન્ટેન્સ માટે ત્રણ વર્ષમાં રૂા.૧ર કરોડ ચુકવવામાં આવશે. મ્યુનિ. રેવન્યુ કમીટી દ્વારા રૂા.૧પ લાખ કે તેથી વધુ કિંમતના વાહનોના વેરા પર જે વધારો કરવામાં આવ્યો છે તેને માન્ય રાખવામાં આવ્યો છે.

પરંતુ તમામ ઈલેકટ્રીક વાહનોને ૧ ઓકટો. ર૦ર૧ થી ૩૧ માર્ચ ર૦રર સુધી આજીવન વેરામાંથી ૧૦૦ ટકા મુક્તિ આપવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશનના ઉતર, પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડમાં રૂા.રપ કરોડના ખર્ચથી હયાત ડ્રેનેજ લાઈનોના રીપેરીંગ અને અપગ્રેડેશનના કામ કરવામાં આવશે. શહેરને ખાળમુક્ત કરવા માટે રામોલ- હાથીજણ વોર્ડમાં રૂા.૧ર કરોડના ખર્ચથી ડ્રેનેજના નવા નેટવર્ક નાંખવામાં આવશે.

દક્ષિણ- પશ્ચિમ ઝોનના વેજલપુર વોર્ડમાં રૂા.૪.૭૩ કરોડના ખર્ચથી વિવિધ રસ્તાઓ રીગ્રેડ અને રીસરફેસ કરવામાં આવશે. શહેરના જે સ્મશાનોમાં સી.એન.જી ભઠ્ઠી ઈન્સ્ટોલ કરવામાં આવી છે તેના ઓપરેશન અને મેઈન્ટેન્સ માટે ૪.રપ કરોડના ખર્ચથી કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનના વાસણા વોર્ડમાં રૂા.૬ર લાખના ખર્ચથી રીઝર્વ પ્લોટો ફરતે કંમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ, ગોતા તથા અન્ય વોર્ડમાં રૂા.ર૬.પ૮ કરોડના ખર્ચથી રોડ રીગ્રેડ કરવામાં આવશે.

તા.૧૦ સપ્ટેમ્બરથી શરૂ થતાં ગણેશ ચતુર્થીના તહેવાર નિમિતે મ્યુનિ. કોર્પો. દ્વારા લોકમાન્ય તિલક ટ્રોફી આપવાની તથા આ માટે જરૂરી સ્પર્ધાનું આયોજન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે જે સ્થળે ઈકો ફ્રેન્ડલી ગણેશોત્સવ થતો હોય તેમજ સ્વચ્છતા અને પાર્કિંગ વ્યવસ્થાના આયોજન વગેરેને ધ્યાનમાં રાખવામાં આવશે તે સ્થળને સ્પર્ધા માટે લાયક ગણવામાં આવશે.

સાર્વજનિક ગણેશોત્સવ સિવાય અનેક પરિવારોમાં પણ ગણેશ સ્થાપના કરવામાં આવે છે તેમના માટે ૧૦ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર સુધી રિવરફ્રંટ ખાતે ફાયરબ્રિગેડની સુવિધા ગોઠવવામાં આવશે. ગણેશોત્સવમાં શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામામાં જણાવેલી શરતોનો ચુસ્ત અમલ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.