૧ ફોન કોલ પર લોનઃ મોલ-સ્ટેશનો પર ખુલશે બેંક
નવી દિલ્હી, નાણાપ્રધાન સીતારામને ગઈકાલે સરકારી બેંકોમાં સુધારાની ત્રીજી આવૃતિ ‘ઈઝ ૩.૦’ને લોંચ કર્યુ. તેના હેઠળ આગામી દિવસોમાં ડીજીટલ બેંકીંગને પ્રોત્સાહન આપવા માટે સરકારી બેંકોના આઉટલેટ મોલ અને રેલ્વે સ્ટેશન જેવી જગ્યાઓએ ખોલવામાં આવશે એટલે કે ત્યાં પણ બેંકીંગ સેવાઓ ઉપલબ્ધ થશે. ‘ઈઝ ૩.૦’ દ્વારા અકિલા આગામી નાણાકીય વર્ષમાં ફકત એક ફોન કોલ દ્વારા ગ્રાહકનું રજીસ્ટ્રેશન કરાવીને બેંક લોન ઉપલબ્ધ કરાવવાની તૈયારી સરકાર કરી રહી છે.
સરકારનું માનવું છે કે જ્યારે લોકોની મોટાભાગની માહિતી સરકારી પ્રણાલીમાં પહેલાથી મોજુદ છે તો પછી લાંબી દસ્તાવેજી પ્રક્રિયામાં વધુ સમય ન લાગવો જોઈએ. સરકારી બેંકોએ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ દ્વારા જે નવી સીસ્ટમ તૈયાર કરી છે તેમા બધી મુશ્કેલીઓ દૂર કરીને ઘરે ઘરે પહોંચીને લોન આપવાનું કામ થઈ શકશે. તેમણે કહ્યું કે સરકારની ઈચ્છા અધિકારીઓ ઉપર ખોટી કાર્યવાહી કરવાની નથી પણ તે ઈચ્છે છે કે પ્રજાના પૈસા બેંકોમા પાછા આવે. નાણા પ્રધાને કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે દેશના દૂરના વિસ્તારોમાં સરકારી બેંકની શાખાઓમાં ઓછામાં ઓછી એક સ્ટાફની વ્યકિત સ્થાનિક ભાષામાં ગ્રાહકો સાથે વાત કરવા માટે હોવી જોઈએ. તેમણે કહ્યું કે સરકારી બેંકોમાં મોટાભાગના નિર્ણયો ક્રેડીટ રેટીંગ એજન્સીઓના રિપોર્ટના આધારે કરવામાં આવે છે પણ બ્રાંચ સ્તરે ગ્રાહકો સાથે જે સંકળાયેલ હોય છે તેનોે કોઈ વિકલ્પ નથી. એટલે સ્થાનિક સ્તરે ગ્રાહકની જે માહિતી હોય છે તે વધુ ચોક્કસ હોય છે.
બેંકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે માર્કેટીંગ કરનારા કર્મચારીઓની સંખ્યા વધારીને ૧૭૬૧૭ કરવામાં આવી છે. એટલું જ નહીં, લોન આપવાના સરેરાશ સમયમાં પણ ૬૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. પહેલા લોન મળવામાં ૩૦ દિવસ લાગતા હતા, જ્યારે હવે તે સરેરાશ ૧૦ દિવસમાં મળી જાય છે. સાથે જ ફરિયાદ નિવારણમાં પણ સમયગાળો ૩૩ ટકા જેટલો ઘટી ગયો છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, ૧૦ જાહેર ક્ષેત્રની બેંકોના મર્જરની પ્રક્રિયા નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ચાલી રહી છે. સરકારે ગયા વર્ષે ૧૦ બેંકોનું વિલીનીકરણ કરી ૪ બેંકો બનાવવાનું એલાન કર્યુ હતું. તેમણે કહ્યું છે કે વિલયને લઈને કોઈ અનિશ્ચિતતા નથી સરકારે યુબીઆઈ-ઓબીસીનું પીએનબીમાં મર્જર કરવાની સિન્ડીકેટનું કેનેરા બેંકમાં અને અલ્હાબાદ બેંકનું ઈન્ડીયન બેંકમાં મર્જર કરવા જાહેરાત કરી હતી. આંધ્ર અને કોર્પો. બેંકનું વિલીનીકરણ યુનિયન બેંકમા કરવા યોજના છે.