૧.૮૫ લાખ આવાસના બાંધકામ માટે મંજૂરી
અમદાવાદ, વડાપ્રધાન મોદીના સપના પ્રમાણે મધ્યમવર્ગને રહેવા માટે છત મળે તે માટે અફોર્ડેબલ હાઉસિંગ સ્કિમનો ધમધમાટ શરુ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં શહેરની ચારે તરફ ફટફટ બાંધકામ થઈ રહ્યું છે.
મહત્વનું છે કે માર્ચમાં ૧૦૭ પ્રોજેક્ટ્સને મંજૂરી મળતા વિક્રમ સર્જાયો છે. આમાંથી સૌથી વધુ પ્રોજેક્ટ ઉત્તર પશ્ચિમ ઝોનમાં મંજૂરી થયા છે જ્યારે સૌથી ઓછા પશ્ચિમ ઝોનમાં મંજૂર કરવામાં આવ્યા છે.
રિપોર્ટ્સ પ્રમાણે આ અંગે હાઉસિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ એસ્ટેટ ટીડીઓ વિભાગની કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, “રેસિડેન્શિયલ એબોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૯૨૦ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
જેમાં ૧,૮૫,૨૮૭ યુનિટના બાંધકામની વિકાસની મંજૂરી અપાઈ છે. જેમાંથી કેટલાક પ્રોજેક્ટની શરુઆત કરી દેવામાં આવી છે.” આ કામગીરીને જાેતા આગામી સમયમાં મોટી સંખ્યામાં લોકોનું ઘરનું ઘરનું સપનું પરિપૂર્ણ થઈ શકે છે. કોરોનાના બે વર્ષમાં ઘણાં કામો પર બ્રેક લાગી ગયા પછી ફરી એકવાર મોટા પ્રોજેક્ટોની કામગીરીનો ધમધમાટ જાેવા મળી રહ્યો છે.
દાણીએ વધુમાં જણાવ્યું કે, માર્ચ મહિનામાં સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા અફોર્ડેબલ હાઉસિંગના ૧૦૭ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. જે એક વિક્રમજનક કામગીરી છે. જેમાંથી સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોન (૩૪)માં અને દક્ષિણ પશ્ચિમ ઝોન (૧૪)માં મંજૂરી કરવામાં આવ્યા છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૩૪ પ્રોજેક્ટમાં કુલ ૫૭૮૯ રહેણાક અને ૫૭૭ કોમર્શિયલ બાંધકામ કરવામાં આવશે.
સૌથી ઓછા પશ્ચિમ ઝોનમાં માત્ર ૫ પ્રોજેક્ટ છે જેમાં ૮૮૭ રહેણાક અને ૧૯ કોમર્શિયલ રહેશે. આમ અમદાવાદના ૬ ઝોનમાં ૧૦૭ પ્રોજેક્ટને મંજૂરી મળી છે જેમાં ૧૮,૧૬૩ રહેણાક અને ૧,૪૭૫ કોમર્શિયલ બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવશે.
મધ્યમવર્ગને પોસાય તેવા માર્ચના અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટના પ્લાન પાસની આવક જ ૩૬ કરોડ રૂપિયા થઈ છે. અફોર્ડેબલ હાઉસિંગ સિવાય હોસ્પિટલ અને હોટલ પોલિસીના પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપવામાં આવી છે.SSS