૨૦મીથી મુશ્તાક અલી ટૂર્નામેન્ટ, ૧૧ જાન્યુઆરીથી રણજી ટ્રોફી
મુંબઈ: ડોમેસ્ટિક ક્રિકેટનું આયોજન કરવા માટે બેતાબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ સીમિત મુકાબલાના સત્રના માળખા પર રાજ્ય એસોસિએશનની સલાહ માગી છે. ઘરેલૂ સત્રના આયોજન માટે બીસીસીઆઈએ ડિસેમ્બરથી માર્ચ વચ્ચે દેશભરમાં છ જૈવિક રૂપથી સુરક્ષિત સ્થળ (બાયો-સિક્યોર) તૈયાર કરવાની યોજના બનાવી છે.
રાજ્ય એસોસિએશનને લખેલા પત્રમાં બોર્ડે ઘરેલૂ મુકાબલાના આયોજનને લઈને ચાર વિકલ્પ આવ્યા છે, જેમાં પ્રથમ વિકલ્પ માત્ર રણજી ટ્રોફીનું આયોજન છે. બીજો વિકલ્પ માત્ર સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટૂર્નામેન્ટનું આયોજન છે. ત્રીજા વિકલ્પમાં રણજી ટ્રોફી અને સૈયદ મુશ્તાલ અલી ટ્રોફીનું સંયોજન હશે અને ચોથા વિકલ્પમાં બે સીમિત ઓવરોની ટૂર્નામેન્ટ (સૈયદ મુશ્તાક અલી અને વિજય હજારે ટ્રોફી) માટે વિન્ડો તૈયાર કરવી છે.
પત્ર અનુસાર, બીસીસીઆઈએ ટૂર્નામેન્ટના સંભવિત સમય પર વાત કરી છે. રણજી ટ્રોફી (૧૧ જાન્યુઆરીથી ૧૮ માર્ચ) માટે ૬૭ દિવસ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. આ પત્રની કોપી પીટીઆઈ પાસે છે. મુશ્તાલ અલી ટ્રોફીના આયોજન માટે ૨૨ દિવસ (૨૦ ડિસેમ્બરથી ૧૦ જાન્યુઆરી)ની જરૂર પડશે જ્યારે જો વિજય હજારો ટ્રોફીનું આયોજન થાય તો તે ૧૧ જાન્યુઆરીથી સાત ફેબ્રુઆરી વચ્ચે ૨૮ દિવસમાં આયોજીત થઈ શકે છે.
બીસીસીઆઈ ૩૮ ટીમોની ઘરેલૂ ટૂર્નામેન્ટ માટે છ સ્થાનો પર જૈવિક રૂપથી સુરક્ષિત વાતાવરણ તૈયાર કરશે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ૩૮ ટીમોના પાંચ એલીટ સમૂહ અને એક પ્લેટ સમૂહમાં વિભાજીત કરવામાં આવશે. એલીટ સમૂહમાં છ-છ ટીમો હશે જ્યારે પ્લેટ સમૂહમાં આઠ ટીમો હશે.
પ્રત્યેક જૈવિક રૂપથી સુરક્ષિત વાતાવરણમાં ત્રણ આયોજન સ્થળ હશે અને મેચોનું ડિજિટલ પ્રસારણ કરવામાં આવશે. બોર્ડે હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન યૂએઈમાં જૈવિક રૂપથી સુરક્ષિત માહોલમાં કર્યું હતું અને અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ભાર આપતા કહ્યુ હતુ કે, સામાન્ય રીતે ઓગસ્ટમાં યોજાતા ઘરેલૂ સત્રને પણ શરૂ કરી શકાય છે.