૨૦૦૨ના રમખાણો પર SITના રિપોર્ટ સામેની અરજી ફગાવાઈ
નવી દિલ્હી, વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા રમખાણો મામલે એસઆઈટીના રિપોર્ટ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તે રિપોર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત ૬૪ લોકોને ક્લીન ચિટ આપવામાં આવી હતી. રમખાણોની તપાસ માટે રચવામાં આવેલી એક વિશેષ તપાસ સમિતિ (એસઆઈટી)એ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી હતી.
દિવંગત પૂર્વ કોંગ્રેસી સાંસદ એહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં તેના વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા તે અરજીને ફગાવી દેવામાં આવી છે. વર્ષ ૨૦૦૨માં થયેલા તોફાનો દરમિયાન ગુજરાતના અમદાવાદમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં જે હિંસા વ્યાપી હતી તેમાં એહસાન જાફરીનું મોત થયું હતું.
૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં જે હત્યાકાંડ થયો હતો તેમાં ઉશ્કેરાયેલા ટોળાએ એહસાન જાફરીને મારી નાખ્યા હતા. તેમના વિધવા ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને એસઆઈટીના રિપોર્ટને પડકાર્યો હતો.
એસઆઈટીએ ૮ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ પોતાના ક્લોઝર રિપોર્ટમાં નરેન્દ્ર મોદી તથા વરિષ્ઠ સરકારી અધિકારીઓ સહિત ૬૩ લોકો સામે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા ન મળ્યા હોવાનું તારણ આપ્યું હતું.
ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ-૬ ડબ્બામાં આગ લગાવવામાં આવી તેના એક દિવસ બાદ જે હિંસા વ્યાપી તેમાં પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત ૬૮ લોકો માર્યા હતા. જ્યારે સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં આગ લગાવવામાં આવી તેમાં ૫૯ કારસેવકોના મોત થયા હતા અને ત્યાર બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.SS2KP