૨૦૦ કરોડના હોસ્ટેલ પ્રોજેક્ટમાં સાંસદે ૫૧ લાખની ગ્રાન્ટ ફાળવી
સુરત, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત-કામરેજ રોડ પર નિર્માણ થનાર હોસ્ટેલ પ્રોજેક્ટ માટે લોકોનો ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે. ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર હોસ્ટેલ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ઉપરાંત પુસ્તકાલય-વાંચનાલય અને કારકિર્દી માર્ગદર્શન સેન્ટર બનશે.
આ વ્યવસ્થાનો લાભ કોઈ પણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ લઇ શકશે. કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોષે તેમની સાંસદ તરીકેની ગ્રાંટમાંથી ૫૧ લાખ ફાળવવા જાહેરાત કરી સમાજ ઉપયોગી કાર્યને શુભેચ્છા પાઠવી છે. સુરતના પ્રવેશદ્વાર કામરેજ રોડ ઉપર ૧૩ માળની બિલ્ડીંગ અને સાથે સરદાર સાહેબની પ્રતિમા શહેરની શાન બનશે.
હજારો વિદ્યાર્થીઓને તેની કારકિર્દી ઘડતર માટે ઉપયોગી થશે. તેવા આ હોસ્ટેલ પ્રોજેક્ટ માટે કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોશે ઝડપથી કાર્ય પૂરું થાય તે માટે શુભેચ્છા આપી છે.
કાપડ વેપાર ક્ષેત્રે સંકળાયેલા ઘનશ્યામભાઈ પાંચાણીના પરિવારમાં બે નાના બાળકો વિશ્વમ અને રેયાંશના જન્મદિને કેક કે ભોજનનો મોટો ખર્ચ કરવાને બદલે ઘનશ્યામભાઈના પરિવારે ૫૧ હજાર હોસ્ટેલ પ્રોજેક્ટમાં આપી નવો દાખલો બેસાડેલ છે.
હોસ્ટેલ પ્રોજેક્ટની મુલાકાતે આવેલ ઘનશ્યામભાઈ પાંચાણી પરિવારનું સંસ્થાના કો.ઓર્ડીનેટર હરિભાઈ કથીરિયા ચેમ્બર્સના ઉપપ્રમુખ રમેશભાઈ વઘાસીયા તથા ટ્રસ્ટી મનજીભાઈ વાઘાણી વગેરેએ અભિવાદન કરી અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટ કાસ્ટિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિપુલભાઈ મોહનભાઈ કોરાટ સુરત હોસ્ટેલ પ્રોજેકની મુલાકાતે આવેલા હતા.ત્યારે સમાજઉત્કર્ષ અને આવનારી પેઢીના વિકાસ માટે ઉભી થનાર સુવિધા માટે ૫૧ લાખનો સહયોગ આપવા સંકલ્પ કરીને તેઓ દાતા ટ્રસ્ટી બને છે.
સાવરકુંડલાના હાથસણી ગામના નિવૃત શિક્ષક રાઘવભાઈ માયાણીએ સુરતમાં ઉભી થનાર શિક્ષણ માટેની સુવિધા માટે બે વાર ભૂમીદાન માટે ૨૨ હજાર દાન આપેલ છે. એક નિવૃત શિક્ષકની ઉમદા ભાવનાને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી અભિનંદન પાઠવે છે.ss2kp