૨૦૦ ટેસ્ટ વિકેટ લીધા બાદ રોચે કહ્યું…૩૦૦ વિકેટ લઈ શકું તો સારુંં
લંડન: ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં મહેમાન ટીમનો બોલર કેમાર રોચ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે પોતે ૭૨ રન આપીને ૪ વિકેટ લીધી હતી. જાેકે આ ટેસ્ટ મૅચમાં તેણે ૨૦૦ ટેસ્ટ-વિકેટનો આંકડો પાર કર્યો છે. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ બોલર કર્ટલી એમ્બ્રોસ બાદ ૨૬ વર્ષે આ પરાક્રમ કરનારો તે પહેલો વેસ્ટ ઇન્ડીઝનો બોલર બન્યો છે. ઉલ્લેખનીય છે કે ૧૧ મહિનામાં ટેસ્ટ ક્રિકેટમાં કેમારને એક પણ વિકેટ નહોતી મળી, પણ ઇંગ્લૅન્ડ સામેની અંતિમ ટેસ્ટ મૅચના બીજા દિવસે ક્રિસ વાૅક્સને આઉટ કરીને તેણે આ વિક્રમ કર્યો હતો.
પોતાના ટેસ્ટ ક્રિકેટ કરીઅરની ૫૯મી મૅચ રમતાં કેમારે કહ્યું કે ‘મારા ખ્યાલથી મારા મગજમાં આનાથી વધારે મોટું લક્ષ્ય છે. મારા માટે હજી પણ કેટલીક રાતો આરામ વિનાની છે. સામે જે તકલીફ છે એને પાર કરીને હું આગળ વધવાનો પ્રયત્ન કરીશ. ૩૦૦ વિકેટ મેળવી શકું તો સારું. ૩૦૦થી વધારે કેટલી વિકેટ લઈ શકીશ એની હાલમાં ખબર નથી. મારે એના માટે સખત મહેનત કરવી પડશે.’ દિગ્ગજ બોલર ઍન્ડી રાૅબર્ટ્સે લીધેલી ૨૦૨ વિકેટની બરાબરી કરવા માટે કેમારને હજી એક વિકેટની જરૂર છે. કર્ટલી એમ્બ્રોસ ૩૦૦ વિકેટ લેનારો વેસ્ટ ઈન્ડીઝનો છેલ્લો બોલર છે. આ પરાક્રમ તેણે શ્રીલંકા સામે ૧૯૯૭માં કર્યું હતું.