૨૦૧૮-૧૯માં રૂ.૭,૨૨૪ કરોડના ટીવી આયાત કરવામાં આવ્યા
નવી દિલ્હી : નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં રૂપિયા ૭,૨૨૪ કરોડના ટીવી આયાત કરવામાં આવ્યા હતા. જેમાં અડધાથી પણ વધારે ચાઇનાથી આયાત કરવામાં આવ્યા હતા. જ્યારે સરકારી આંકડાઓ પ્રમાણે ૨૦૧૭-૧૮માં ૪,૯૬૨ રૂપિયાથી વધુના ટીવી આયાત કરવામાં આવ્યા હતા એમ ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે લોકસભામાં કહ્યું હતું. જા કે, ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેટલાક પગલાઓ ભરવામાં આવ્યા છે. પરિણામે ૮૦ ટકા માગ ઘરેલું ઉત્પાદનોથી જ પૂરી કરવામાં આવે છે.
બેગેજ ડ્યુટી ફ્રી નિયમના કારણે એલસીડી, એલઇડી અને પ્લાઝામાં વધુ પડતા આયાત કરવામાં આવે છે. ૨૦૧૮-૧૯માં કુલ ૭૨૨૪ કરોડ રૂપિયાના ટીવી આયાત કરવામાં આવ્યા હતા જેમાં ફક્ત પાંચ દેશમાંથી જ રૂપિયા ૭,૦૧૧૧ કરોડના ટીવી આયાત કરવામાં આવ્યા હતા.
જેમાં ચીનમાંથી સૌથી વધુ ૩,૮૦૭ કરોડ, વિયેતનામમાંથી ૨,૩૧૭ કરોડ, મલેશિયામાંથી ૭૫૦ કરોડ, હોંગકોંગમાંથી ૮૧ કરોડ અને તાઇવાનમાંથી ૫૬ કરોડ રૂપિયાના ટીવી આયાત કરવામાં આવ્યા હતા. મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૧૯માં ભારત સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશને વિયેતનામથી આવતો ટેલિવિઝનને મળતી ડ્યુટી ફ્રી સુવિધા ત્રણ મહિના માટે બંધ કરવાની સુચના આપી હતી. ૨૦૧૭-૧૮માં વિયેતનામથી ડ્યુટી ફ્રી આયતમાં ૬૨ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. ભારતે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ સાથે ડ્યુટી ફ્રી કરાર કર્યા છે. અને વિયેતનામ અને મલેશિયા પણ તેના સભ્ય દેશો છે.