Western Times News

Gujarati News

૨૦૨૦-૨૧નું શૈક્ષણિક સત્ર તા.૨૦ એપ્રિલ, ૨૦૨૦થી શરૂ થશે

Files Photo

અમદાવાદ: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૦-૨૧નું શૈક્ષણિક સત્ર તા.૨૦ એપ્રિલ, ૨૦૨૦થી શરૂ થશે તેવી જાહેરાત કરી છે. જેથી વિદ્યાર્થીઓએ વાર્ષિક પરીક્ષા આપ્યા બાદ પણ ૧૩ દિવસ સુધી સ્કૂલ આવવું પડશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ના સંભવિત આયોજન પર નજર કરીએ તો તા.૨૦ એપ્રિલથી પ્રથમ સત્ર શરૂ થશે જે તા.૩ જી મે સુધી સ્કૂલ ચાલુ રહેશે.

ત્યારબાદ તા.૪ મેથી વિદ્યાર્થીઓને ઉનાળુ વેકેશન મળશે, જે તા.૭ જૂન સુધી રહેશે. આમ વિદ્યાર્થીઓને ઉનાળાનું ૩૫ દિવસનું વેકેશન મળશે. એ પછી તા.૮ મી જૂનથી પ્રથમ સત્રનો પુનઃ પ્રારંભ થશે. જે સપ્ટેમ્બર સુધી ચાલશે.

પ્રથમ સત્ર ૧૭૪ દિવસનું હશે, જેમાંથી જાહેર રજા, રવિવાર, વેકેશન મળી કુલ ૬૧ રજાઓ હોવાથી ૧૧૩ દિવસો સ્કૂલ ચાલુ રહેશે. જયારે તા.૧લી ઓક્ટોબરથી પ્રથમ સત્રાંત પરીક્ષા ચાલુ થશે. છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના દિવસોમાં વધઘટ જોવા મળતી હતી. જેને લઇને રાજ્ય સરકારે બંને સત્રના શૈક્ષણિક દિવસો સમાન રહે તેવી જોગવાઈ કરી છે. સરકારની જાહેરાત મુજબ, તા.૧૨ ઓક્ટોબરથી બીજા સત્રની શરૂઆત થશે, જે ૧૧ મી નવેમ્બર સુધી ચાલશે. જયારે તા.૧૨મી નવેમ્બરથી તા.૨જી ડિસેમ્બર સુધી કુલ ૨૧ દિવસનું દિવાળી વેકેશન રહેશે.

ત્યારબાદ તા.૩જી ડિસેમ્બરથી દ્વિતીય સત્ર પુનઃ શરૂ થશે. જે તા.૧૪ માર્ચ, ૨૦૨૧ એટલે કે શૈક્ષણિક કાર્ય સુધી ચાલુ રહેશે.  બીજુ સત્ર ૧૬૬ દિવસનું રહેશે. જેમાંથી જાહેર રજા, રવિવાર અને વેકેશન મળી કુલ ૪૯ દિવસ રજા હોવાથી ૧૧૭ દિવસ સ્કૂલ ચાલુ રહેશે. તા.૧૫ માર્ચથી તા.૩૧ માર્ચ દરમ્યાન સત્રાંત પરીક્ષા તેમજ મુલ્યાંકન કાર્ય રહેશે. તા.૩૧ મે ના રોજ દ્વિતીય સત્ર પૂર્ણ થશે.

આ પધ્ધતિ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ તમામ શાળાઓમાં લાગુ કરવા જણાવવામાં આવ્યું છે. આ મામલે શિક્ષણવિદ્‌ સાથે વિગતવાર ચર્ચા કરી કેટલાક ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. આ વર્ષે એટલે કે તા.૨૦ એપ્રિલ,૨૦૨૦થી સત્ર શરૂ થતું હોવાથી રવિવારની રજાને બાદ કરતા ૧૨ દિવસ શિક્ષણના વધશે. પણ, શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨થી નિયમિતપણે રવિવારની રજાને બાદ કરતા ૨૪ દિવસ શિક્ષણના વધશે એટલે કે એક મહિનો શિક્ષણનો વધી જશે. આમ હવે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ૨૩૦ દિવસ ભણવાનું રહેશે અને વર્ષમાં માત્ર બે જ પરીક્ષા રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.