૨૦૨૫ પહેલાં વિકાસ દર હાંસલ કરવો મુશ્કેલ: ગીતા ગોપીનાથ
નવી દિલ્હી, આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે જણાવ્યું છે કે, ભારત માટે ૨૦૨૫ પહેલા કોરોના અગાઉનો વિકાસ દર હાંસલ કરવો મુશ્કેલ રહેશે. માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરના અનેક દેશોની આ જ સ્થિતિ છે. ગોપીનાથે જણાવ્યું હતું કે આવતા મહિને રજૂ થનારા બજેટમાં ભારતના નાણાંમંત્રીએ હાલ ચાલી રહેલી કટોકટીને પહોંચી વળવા ઉપરાંત ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઝડપથી રિકવરી પ્રાપ્ત કરી શકાય તેવા પગલાં ભરવા પડશે.
આવનારા સમયમાં બેંકોની એનપીએમાં પણ વધારો જાેવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરતા ગોપીનાથે જણાવ્યું હતું કે સરકારે હાલની સ્થિતિમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારવાની જરુર છે, અને તેની સાથે ડિસઈન્વેસ્ટમેન્ટ્સ માટે પણ વિશ્વાસપાત્ર રસ્તો શોધવો પડશે.
હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે કૃષિ સુધારાના કાયદાનો અમલ અટવાઈ જવા પર પોતાનો મત વ્યક્ત કરતા ગોપીનાથે કહ્યું હતું કે સુધારા કરવા હંમેશા મુશ્કેલ હોય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આજે નહીં તો કાલે ખેડૂતો અને સરકાર વચ્ચે ચોક્કસ કોઈ સમાધાન થશે. તેમણે કહ્યું હતું કે ખેડૂતો માટે નવા વિકલ્પો ઉભા કરીને તેમની આવકમાં વધારો કરી શકાય છે. જાેકે, દરેક કાયદાનો અમલ કઈ રીતે થાય છે તે કાળજીપૂર્વક જાેવાનું રહે છે. તેના કારણે જાે કોઈને નુક્સાન થતું હોય તો તેના પર પણ બારીકાઈથી નજર રાખવી પડે છે, તેમાંય ખાસ કરીને જાે તેમાં ખેડૂતો સંકળાયેલા હોય.
કોરોનાની રસીકરણની ધીમી ગતિ અને તેને લઈને ઉભા થઈ રહેલા સવાલો પર ચિંતા વ્યક્ત કરતા ગોપીનાથે જણાવ્યું હતું કે, લગભગ દરેક દેશોમાં આ સમસ્યા જાેવા મળી રહી છે. વળી, વાયરસના એક પછી એક આવી રહેલા નવા વેરિયન્ટ્સ પણ ચિંતાનો વિષય છે. આ ઉપરાંત, ભારતના કિસ્સામાં ફાઈનાન્શ્યિલ સિસ્ટમમાં રહેલી નબળાઈ પણ ચિંતાનો વિષય છે.
ભારત સહિત દુનિયાભરના દેશોએ કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા ઘણા પગલાં લીધા છે, જેના કારણે ફાઈનાન્શિયલ સિસ્ટમમાં ક્રાઈસિસ ઉભી થઈ છે. જાે આરબીઆઈના અનુમાન અનુસાર એનપીએમાં વધારો થયો તો બેંક તેમજ એનબીએફસીએસના પર્ફોમન્સ પર તેની સીધી અસર જાેવા મળશે, જેનાથી એકંદરે દરેક ક્ષેત્ર પર નકારાત્મક અસર સર્જાશે, તેમ પણ ગોપીનાથે જણાવ્યું હતું.SSS