૨૦૨૮ સુધી હિન્દુ અને મુસ્લિમોની જનસંખ્યા સમાન થઇ જશેઃ દિગ્વિજય સિંહ

ભોપાલ, કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભાનાં સાંસદ દિગ્વિજય સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોમાં દિગ્વિજય સિંહ કહેતા જાેવા મળે છે કે ૨૦૨૮ સુધીમાં દેશમાં હિન્દુ અને મુસ્લિમોની વસ્તી સમાન થઇ જશે.
શું ભારતમાં મુસ્લિમ સમાજની વસ્તી હિન્દુઓની વસ્તી કરતાં વધી જશે? શું આવનારા સમયમાં હિન્દુઓ ભારતમાં લઘુમતીમાં હશે? આ સવાલોનાં જવાબમાં કોંગ્રેસનાં નેતા દિગ્વિજય સિંહ કહે છે કે હકીકતમાં આ ડરનું માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે અને કેટલાક હિન્દુત્વવાદી સંગઠનો તેમના ઉદ્દેશ્યને હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દિગ્વિજય સિંહે આંકડા દ્વારા કહેવાનો પ્રયત્ન કર્યો કે હકીકતમાં મુસ્લિમ સમાજ બહુમતી ધરાવતો નથી. દિગ્વિજય સિંહ કહે છે કે અભ્યાસ મુજબ ૧૯૫૧ થી મુસ્લિમ સમાજની વસ્તીમાં ઘટાડો થયો છે, મોટી વાત એ છે કે મુસ્લિમોનો પ્રજનન દર હિંદુઓ કરતા વધુ ઘટી રહ્યો છે.
હાલમાં એક મુસ્લિમ માણસ ૨.૭ બાળકોને જન્મ આપી રહ્યો છે, જ્યારે હિન્દુ સમાજમાં આ આંકડો ૨.૩ છે. જાે આપણે આ આધારે ગણતરી કરીએ તો ૨૦૨૮ સુધીમાં દેશમાં હિન્દુ અને મુસ્લિમોની સંખ્યા સમાન હશે. તેથી, મુસ્લિમો આ દેશમાં બહુમતી હશે તેવી દલીલ કરવી અર્થહીન છે.
વીડિયોમાં કોંગ્રેસનાં નેતા દિગ્વિજય સિંહ કહી રહ્યા છે કે, જે પણ વૃદ્ધિ થશે, તે ૨૦૨૮ સુધી રહેશે. તે પછી થશે નહીં. આજે મુસલમાનોને ખતરો કહીને હિન્દુઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, અને બીજી બાજુ એક ઓવૈસી સાહેબ છે, જે મુસ્લિમોને ખતરો કહીને વોટ મેળવવા માંગે છે.
નરેન્દ્ર મોદીજી હિન્દુઓને ખતરો કહે છે, ઓવૈસીજી મુસ્લિમોને ખતરો કહે છે. ન તો હિન્દુઓ ખતરામાં છે અને ન મુસ્લિમો ખતરામાં છે, જાે ખતરામાં કોઇ છે તો તે મોદી જી અને ઓવૈસી જી છે. આપને જણાવી દઈએ કે, આગામી વિધાનસભા ચૂંટણી પહેલા દેશમાં જનસંખ્યા વૃદ્ધિ, ધર્મ પરિવર્તન, લવ જેહાદ જેવા મુદ્દાઓ ગરમાયા છે.HS