૨૦ માસથી સૂમસામ પ્રાથમિક શાળાઓ ફરી બાળકોની ચિચિયારીથી ગુંજી ઉઠી
વડોદરા જિલ્લાની ૧,૦૫૩ પ્રાથમિક શાળાઓમાં સવા લાખ બાળકોનો પ્રત્યક્ષ અભ્યાસ શરૂ
વડોદરા, કોરોના મહામારીને કારણે છેલ્લા ૨૦ માર્ચથી બંધ પડેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓ આજે ફરીને શરૂ થતાની સાથે બાળકો દફતર લઈને શાળાએ પહોંચ્યા હતા. પ્રાથમિક શાળાઓ બાળકોની ચિચિયારીથી ગુંજી ઉઠી હતી.
કોરોના મહામારીને કારણે માસૂમ બાળકોને તેનાથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ગત્ત વર્ષની તા.૨૦ માર્ચથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. તેથી શાળાઓ બંધ પડી હતી.
જાે કે, શાળાઓ બંધ હતી પણ શિક્ષણ કાર્ય નહિ. પ્રાથમિક શાળાના શિક્ષકોએ શેરી શિક્ષાનું અભિયાન હાથ ધર્યું હતું. ગુરુજનો બાળકોના ઘરના આંગણા સુધી પહોંચ્યા હતા અને શેરીમાં જ શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. આ અભિયાનને પરિણામે બાળકોના અભ્યાસ બગડ્યો નહિ, તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુશ્રી અર્ચના ચૌધરીએ જણાવ્યું હતું.
હવે ફરી શાળાઓ શરૂ થતાં વડોદરા જિલ્લાની ૧૦૫૩ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયું હતું. આ શાળામાં સવા લાખ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તેની સાથે ખાનગી શાળાઓ શરૂ થાય છે. આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થતાં વાલીઓમાં પણ આનંદ ફેલાયો છે.