૨૦ લાખનું દહેજ માંગી મહિલા પર ત્રાસ ગુજારતાં આઠ સાસરીયા વિરૂદ્ધ સરખેજમાં FIR

અગાઉ પતિએ રશીયા જવા ૭ લાખ લીધા હતા
અમદાવાદ: મહિલાઓ સાથે અત્યાચારની ઘટના દિન-પ્રતિદિન વધતી જ જાય છે. ખાસ કરીને પરણીત મહિલાઓ પાસેથી દહેજ મેળવવા માટે તેમને માનસિક-શારીરિક રીતે પરેશાન કરવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવે છે. આ સ્થિતિમાં સરખેજમાં પ્રેમલગ્ન બાદ યુવતીને અમેરીકા લઈ જવાનું વચન આપી યુવકે તેનાં પિતા પાસેથી સાત લાખ પડાવી લીધા હતા. આટલેથી ન અટકતાં યુવક અને તેનાં પરીવારે દહેજ ન લાવી હોવાનાં કારણે વધુ ૨૦ લાખની માંગણી કરતાં પરીણીત યુવતી સરખેજ પોલીસ સ્ટેશને પહોંચી છે.
ભૂમિકાબેન નાઈ હાલમાં પિતાનાં ઘરે સરખેજ, ઉજાલા સર્કલ નજીક અંબિકાનગર સોસાયટીમાં રહે છે. તેમનાં ફોઈ મહેસાણાનાં સાલડી ગામ ખાતે રહે છે. જ્યાં વેકેશન ગાળવા જતાં સતીષભાઈ નાઈ સાથે તેમણે પ્રેમસંબંધ બાદ કોર્ટમાં લગ્ન કર્યા હતાં. જાકે બંને કોઈને જાણ કર્યા વગર પોતપોતાનાં ઘરે રહેતા હતા. દરમિયાન વિઝાને લગતું કામ કરતાં સતીષે ભૂમિકાબેનને અમેરિકામાં સ્થાયી થવાનું વચન આપ્યું હતું.
એક દિવસ બંનેના અમેરીકાનાં વિઝા થઈ ગયાનું જણાવી ભૂમિકાબેનને તેમનાં ઘરે બોલાવી લીધા હતા. થોડાં દિવસ સાથે રાખ્યા બાદ તેમનાં પિતા પાસેથી સાત લાખ રૂપિયા મેળવી બંને રશિયા ગયા હતા જ્યાંથી અમેરિકા જવાની વાત સતીષે કરી હતી. જાકે વિઝા ન મળતાં બંને ભારત પરત ફર્યા હતાં. બાદમાં સાસરીમાં સાસુ-સસરા સહિતનાં સાસરીયા તેમને સામાન્ય બાબતે મેણાં-ટોણાં મારતાં હતા અને ત્રાસ ગુજારતાં હતાં.
જેનો વિરોધ કરતાં સાસરીયા તેમને ૨૦ લાખ દહેજ લઈ આવ તો કંઈ કરવું નહિં પડે તેવી વાત કરતાં તેમનાં પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ઉપરાંત પિતાનાં રૂપિયા સાત લાખ પરત આપવાનું કહેતાં પતિ સતીષભાઈ ભૂમિકાબેન સાથે ઝઘડો કરતાં તે સરખેજ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. અને પતિ સહિત આઠ વિરૂદ્ધ ઘરેલું હિંસા અને દહેજની ફરીયાદ નોંધાવી છે.