૨૦ સદ્ગૃહસ્થો બાર વર્ષથી અનોખી સેવા કરે છે
કોઇ ટ્રસ્ટ કે સંસ્થા બનાવ્યા વિના બસ સ્વેચ્છાએ પોતાના ગાંઠના પૈસા ખર્ચીને સેવા કરીને સામાજિક પ્રેરણા આપી
અમદાવાદ, જે વ્યકિતને જીવનમાં કંઇ કરવું જ છે અને તેને કોઇપણ પરિસ્થિતિ, સંજાગો કે પરિબળો તેને આમ કરવાથી રોકી શકતા નથી. શહેરના ૨૦ જેટલા સદ્ગૃહસ્થોનું એક ગ્રુપ છેલ્લા બાર વર્ષથી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ખાવાનું, નાસ્તો, કપડા અને નોટો-ચોપડીઓ, કંપાસ-લંચબોક્સ સહિતની શૈક્ષણિક સુવિધા પૂરી પાડી અનોખી સેવા કરી રહ્યુ છે અને સમાજને એક બહુ અસરકારક પ્રેરણા પૂરી પાડી રહ્યું છે.
કોઇ ટ્રસ્ટ કે સંસ્થા બનાવ્યા વિના કે બહુ ઝાકઝમાળ કે દેખાડો કર્યા વિના જ અને ઘણીવાર તો પોતાના ગાંઠના પૈસા ખર્ચીને ગરીબ બાળકો અને લોકોની સેવા કરવાની અનોખી ભેખ આ સદ્ગૃહસ્થો ચલાવી રહ્યા છે. આ સદ્ગૃહસ્થો પોતાના જીવનમાંથી થોડા સમય, પૈસા અને આયોજન કાઢી આ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો અને લોકોને ફાળવી સમગ્ર સમાજને એક અનોખી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
૨૦ જેટલા સદ્ગૃહસ્થનો આ સાંઇ રોટી પરિવાર માત્ર અમદાવાદમાં જ નહી પરંતુ બાવળા, કલોલ, ખંભાત, માતર સહિતના જુદા જુદા સ્થળોએ સરકારી શાળાઓ તેમ જ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ ગરીબ બાળકોને ખાવાનું, કપડા-લત્તા, શૈક્ષણિક સુવિધા-સ્ટેશનરીનું દાન કરી પોતાની સેવા પ્રવૃત્તિ અમદાવાદની બહાર સુધી વિસ્તારી રહ્યા છે. ગરીબ બાળકો માટે આ અનોખો સેવાયજ્ઞ ચલાવતાં નવીનભાઇ પટેલ અને હરીશભાઇ પટેલે એક વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, ૨૦૦૭-૦૮માં અમે ત્રણ ચાર મિત્રોએ ગરીબ બાળકોનો વિચાર આવતાં એ વખતે બે-ચાર કિલો ચવાણું વિતરણ કરીને અમારા સેવાયજ્ઞનો પ્રારંભ કર્યાે હતો.
એ વખતે અમે ખાવાનું વિતરણ કરવા જઇએ ત્યારે શરૂઆતમાં થોડા બાળકો આવતાં હતા પરંતુ જેમ જેમ અન્ય બાળકો અને જરૂરિયાતમંદ લોકોને ખબર પડતી ગઇ તેમ તેમ સંખ્યા વધતી ગઇ અને આજે ૪૦૦થી વધુ ગરીબ બાળકો-જરૂરિયાતમંદ લોકોને અમે દર ગરૂવારે નિયમિત રીતે ખાવાનું, નાસ્તો, કપડા-લત્તા, નોટો-ચોપડીઓ, કંપાસ-લંચબોક્સ સહિતની શૈક્ષણિક સુવિધા વિનામૂલ્યે સત્તાધાર બ્રીજ પાસે ભમ્મરિયાના છાપરા, જનતાનગર સહિતના વિસ્તારોમાં વિતરણ કરી રહ્યા છીએ.
અમારી આ સેવાકીય પ્રવૃત્તિઓની સમાજના અન્ય કોઇ સેવાભાવી માણસોને ખ્યાલ આવે તો તેઓ પણ દાતા બનીને આગળ આવે છે અને અમારા સેવાકાર્યમાં જાડાઇને પુણ્યના ભાથામાં સહભાગી બને છે. નવીનભાઇ પટેલ અને હરીશભાઇ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, અમારી સેવાકીય પ્રવૃત્તિ અમદાવાદ પૂરતી સીમિત નહી રાખીને બાવળા, કલોલ, ખંભાત, માતર સહિતના બહારના સ્થળોએ સરકારી સ્કૂલો કે સેવાભાવી સંસ્થાઓમાં પણ અમે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ખાવાનું, નાસ્તો, કપડા-લત્તા, નોટો-ચોપડીઓ, કંપાસ, લંચબોક્સ, પેન-પેન્સિલ સહિતની સ્ટેશનરી સહિતી સુવિધા વિનામૂલ્યે માત્ર સેવાના આશયથી પહોંચાડી રહ્યા છીએ.
અમારા ગ્રુપના સદ્ગૃહસ્થો ૫૦થી ૬૦ વર્ષની વયના છે પરંતુ તમામનો જુસ્સો અને મનોબળ સેવાનો અને ગરીબ બાળકોને આ પ્રકારની મદદ પહોંચાડવાનો જ છે. તમે શા માટે કોઇ ટ્રસ્ટ કે સંસ્થા રજિસ્ટર્ડ નથી કરાવી તેના પ્રત્યુત્તરમાં નવીનભાઇ પટેલે સ્પષ્ટ કર્યું કે, કારણ કે, જા વધુ ભંડોળ કે ફંડ ઉભુ થાય તો, કોઇની પણ દાનત બગડે અને અમારા સેવાયજ્ઞનો ઉમદા ઉદ્દેશ ફળીભૂત ના થાય. આ સંજાગોમાં અમે જેટલી જરૂરિયાત હોય તે પ્રમાણે જ આયોજન કરી, તેટલા ભંડોળનો ઉપયોગ કરી અને દાતાઓ આવે તો તેમની ઇચ્છા મુજબ આયોજન કરીએ છીએ.
જાે દાતા ના મળે તો, અમે અમારા બધાના પૈસા ઉમેરીને પણ અમારી સેવાકીય પ્રવૃતિ ચાલુ રાખીએ છીએ. નવીનભાઇ પટેલ, હરીશભાઇ પટેલની સાથે અનિલભાઇ પરીખ, મીનાબહેન મસર, ગીરીશભાઇ શાહ, રાજેશભાઇ તલાટી, પિયુષભાઇ મસર સહિતના લોકો આ ભગીરથ સેવાકાર્યમાં તેમની બહુમૂલ્યે સેવાઓ આપી રહ્યા છે.