૨૦ હજારના લક્ષ્યાંક સામે માત્ર ૮ હજાર લોકોનું વેક્સિનેશન !
રાજકોટ: ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને તંત્ર સજ્જ બન્યું છે. વેક્સીનેશન વધુ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેની વચ્ચે ચોંકાવનારી હકીકતો સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં તો લોકોમાં જાગૃતતાનો અભાવ જાેવા મળતા ઓછું વેક્સીનેશન થાય પણ હવે તો રાજકોટમાં પણ વેક્સીનેશન પ્રત્યે નિરૂત્સાહ જાેવા મળી રહ્યો છે. ૨૦ હજાર લોકોના વેક્સીનેશનના લક્ષ્યાંક સામે માત્ર ૭ થી ૮ હજાર લોકો જ વેક્સીન લઈ રહ્યા છે તે ચિંતાજનક છે.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની સાથે શહેરી વિસ્તારોમાં પણ રસીને લઇને લોકોમાં નિરૂત્સાહ જાેવા મળી રહ્યો છે. દરરોજ શહેરમાં ૨૦ હજાર લોકોને વેક્સીન આપવાના ટાર્ગેટ સામે ૭ થી ૮ હજાર લોકો જ લઇ રહ્યા છે. વેક્સીનના રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી અને ખોટી માન્યતાઓને કારણે ઓછું વેક્સીનેશન થઈ રહ્યું છે. લોકોનું વેક્સીનેશન સ્થળે જ રજીસ્ટ્રેશન થઇ શકે તે માટેની પણ મનપાએ વ્યવસ્થા શરૂ કરી છે.
પછાત વિસ્તારોમાં ડોર ટુ ડોર જઇને લોકોને જાગૃત અને તેના રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરાઇ હોવાનું નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું. રાજકોટમાં અત્યાર સુધીમાં ૫ લાખ કરતા વધુ લોકોનું વેક્સીનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં ઓછા વેક્સીનેશન પાછળ લોકોમાં ગેર માન્યતા અને અંધશ્રદ્ધા જવાબદાર છે. જ્યારે શહેરી વિસ્તારના પછાત વિસ્તારોમાં લોકોમાં માહિતીનો અભાવ તો છે જ પણ સાથે સાથે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સુવિધા નથી.
જેથી હવે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પછાત વિસ્તારમાં જશે અને લોકોનું રજિસ્ટ્રેશન કરવા સમજાવશે. જે લોકો પાસે રજિસ્ટ્રેશન કરવા મોબાઈલ કે ઈન્ટરનેટની સુવિધા નહિ હોય તો તેમને વેક્સીન કેન્દ્ર પર જ રજિસ્ટ્રેશન કરી આપવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફેરિયા, લારી ગલ્લા ચલાવતા લોકોને વેક્સીન અંગે સમજાવવામાં આવ્યા હતા.
સુપર સ્પ્રેડર ગણાતા આ લોકોના પહેલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા ત્યારે હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા હતા. જેથી માહિતી રાજકોટ મનપા પાસે હતી જ. પણ હવે વેક્સીન અંગે જાગૃતતા આવે અને વધુ લોકો વેક્સીન મુકાવે તે માટે સમજાવવામાં આવી રહ્યા છે. રાજકોટમાં અંદાજિત ૬ હજાર કરતા વધુ સુપર સ્પ્રેડરો છે. જેને આજ થી સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પોલીસની મદદ લઈને વેક્સીનેશન કરાવવામાં આવશે.