૨૧ રાજ્યના ૭૦ જિલ્લાનો શિરો સર્વે ખૂબજ ડરામણો
નવી દિલ્હી: દેશ આખામાં કરવામાં આવેલા સીરો સર્વેના પરિણામો બધાને ડરાવી રહ્યા છે. આ સર્વે પ્રમાણે મે મહિના સુધીમાં જ દેશ આખામાં આશરે ૬૪ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવા જોઈએ. આ સર્વેમાં એવી પણ માહિતી મળી છે કે જે વિસ્તારમાં કાગળ પર કોઈ જ કેસ નોંધાયેલા ન હતા ત્યાં મોટી સંખ્યામાં લોકો વાયરસનો શિકાર બન્યા હતા. સર્વેના આંકડા પ્રમાણે મે મહિનામાં કહેવામાં આવ્યું હતું કે દેશના ૨૩૩ જિલ્લામાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી,
પરંતુ સર્વેમાં માલુમ પડ્યું છે કે ત્યાં ૮.૫૬ લાખ દર્દી હતા. નોંધનીય છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દેશભરમાં કરેલા સીરો સર્વેના આંકડા જાહેર કર્યા છે. સીરો સર્વેના ડેટા જોઈને માલુમ પડે છે કે જે જિલ્લાઓમાં ઝીરો કેસ બતાવવામાં આવ્યા હતા ત્યાં હકીકતમાં ૧૩ ટકા કોરોના દર્દી હતા. સંશોધકોનું કહેવું છે કે આના પરથી માલુમ પડે છે કે દેશમાં કોરોનું સંક્રમણ વધવાની શરૂઆત થઈ હતી ત્યારે લોકોની યોગ્ય રીતે તપાસ કરવામાં આવતી ન હતી.
આ ઉપરાંત દેશના દરેક ભાગમાં ટેસ્ટ પણ થતા ન હતા. આ જ કારણે દેશના દરેક હિસ્સામાં કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું હતું. સીરો સર્વેમાં માલુમ પડ્યું છે કે ભારતના ગામડાઓમાં કોરોના વાયરસની ઝપેટમાં ૬૯.૪% લોકો આવ્યા હતા,
જ્યારે શહેરના સ્લમ વિસ્તારોમાં ૧૫.૯ ટકા અને શહેરના બાકીના વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ ૧૪.૬ ટકા નોંધવામાં આવ્યું હતું. આઈસીએમઆર પ્રમાણે આ સર્વે ૧૧ મેથી લઈને ૪ જૂન વચ્ચે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ૪,૨૮,૦૦૦ વ્યસ્કના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સર્વે ૨૧ રાજ્યના ૭૦ જિલ્લામાં કરવામાં આવ્યો હતો. મોટાભાગનો સર્વે ગ્રામ્ય વિસ્તારમાં થયો હતો.
ઉંમર પ્રમાણે જોઈએ તો પોઝિટિવિટી રેટ આ પ્રમાણે રહ્યો હતો. ૧૮-૪૫ વર્ષ- ૪૩.૩% , ૪૬-૬૦ વર્ષ ૩૯.૫% , ૬૦ વર્ષથી ઉપર- ૧૭.૨%. આ સર્વે દેશની એ સમયની સ્થિતિનો ચિતાર રજૂ કરે છે જ્યારે દેશભરમાં લૉકડાઉન હતું અને લોકો શહેરમાંથી ગામડાઓ તરફ પલાયન કરી રહ્યા હતા.
આ સર્વે અંતર્ગત સામાન્ય રીતે એ વાત જાણવામાં આવે છે કે આખરે કયા જિલ્લામાં કે પછી શહેરમાં કેટલા લોકો કોરોનાથી સંક્રમિત થઈના સાજા થયા છે. શરીરમાં હયાત એન્ટીબૉડીથી તેની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ક્યાંય કોરોના કોમ્યુનિટી ટ્રાન્સમિશનની કગાર પર તો નથી પહોંચી ગયો ને? સીરો સર્વેનો પ્રથમ તબક્કો આ વર્ષે અલગ અલગ શહેર અને રાજ્યમાં લૉકડાઉન દરમિયાન મે મહિનામાં કરવામાં આવ્યો હતો.