૨૨૦૦ લીટરનો બાયોડીઝલ ગેરકાયદેસર વેપલો કરવા મોડાસા પહોંચેલા હિંમતનગરના શખ્શને અરવલ્લી એલસીબીએ પીકઅપ ડાલા સાથે દબોચ્યો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં હાઈવે પર આવેલી હોટલ-ઢાબા નજીક બાયોડીઝલનો ગેરકાયદેસર વેપલો ધમધમી ઉઠતા ડીઝલપંપના માલિકોએ પુરવઠા તંત્ર અને કલેક્ટરને રજુઆત કરી હતી રાજ્ય પેટ્રોલ ડીઝલ એસોસિએશને કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજુઆત કરતાં તંત્ર હરકતમાં આવતા જીલ્લામાં ખુલ્લેઆમ ધમધમતા બાયોડીઝલનો ગેરકાયદેસર વેપલો કરનાર શખ્શો ભૂગર્ભ ઉતરી ગયા હતા
તંત્રએ ખાનાપૂર્તિ કામગીરી કરી સંતોષ માન્યો હોય તેમ ફરીથી જીલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલ કે અન્ય કેમિકલ વેચાણ શરુ થઇ ગયું છે ત્યારે અરવલ્લી એલસીબી પોલીસે હિમતનગરનો શખ્શ પીકઅપ ડાલામાં બાયોડીઝલ ભરી મોડાસા વેચાણ અર્થે પહોંચતા બાયપાસ રોડ નજીકથી ઝડપી લઈ ૩.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પીઆઈ આર કે પરમાર અને તેમની ટીમે મોડાસા બાયપાસ રોડ પર આવેલ લકી સર્વિસ સ્ટેશનની સામે ખુલ્લી જગ્યામાં પીકઅપ ડાલામાં બાયોડીઝલ લઈ વેચાણ માટે પહોંચેલા હિંમતનગર મહેતાપુરા ફોરેસ્ટ કોલોની બાજુમાં રહેતો ઈમ્તિયાઝ અબ્બાસભાઈ સુમરા નામના શખ્શને દબોચી લઈ પીકઅપ ડાલામાં ૧૧ બેરલમાં ભરેલ ૨૨૦૦ લીટર બાયોડીઝલ કીં.રૂ.૧૧૦૦૦૦/- નો જથ્થો જપ્ત કરી પીકઅપ ડાલા અને મોબાઈલ મળી કુલ રૂ.૩૧૧૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ઈમ્તિયાઝ સુમરા સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
એલસીબી પોલીસની કાર્યવાહીથી ગેરકાયદેસર બાયોડીઝલનો વેપલો કરનાર શખ્શોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા આજુબાજુના વિસ્તારો અને મોડાસા થી શામળાજી રોડ પર ઠેર ઠેર બાયોડીઝલનો ખાનગીમાં મોટા પ્રમાણમાં વેપલો થઇ રહ્યો છે ત્યારે પોલીસતંત્ર આ શખ્શો શખ્શો સામે કાર્યવાહી કરે તેવી માંગ પ્રબળ બની છે